વાપી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી(વાપી ઉડા)ના વિકાસ નકશાના અમલ માટે હવે અંતિમ તબક્કામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાપી ઉડાના વિકાસ નકશાને વાપી મહાનગરપાલિકાની ટીપી સમિતિ તેમજ સામાન્ય સભામાં મંજૂરી આપ્યા બાદ રાજય સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી. રાજય સરકારે ગેઝેટની અંદર વાપી ઉડાનો વિકાસ નકશાના મુસદ્દાને પ્રસિદ્ધ કરીને હવે બે માસ માટે લોકો સમક્ષ મૂકવામાં આવ્યો છે. આ વિકાસ નકશાની જોગવાઈમાં કોઈ વાંધો કે પછી કોઈ સૂચન હોય તો તે વાપી મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખામાં પૂરાવા સાથે રજૂ કરવા માટે જાહેર નોટિસથી જણાવ્યું છે.
વાપી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળના આ વિકાસ નકશો મનપામાં સમાવેશ નવા ૧૧ ગામની સાથે પાલિકાનો અગાઉનો વિસ્તારના સમાવેશથી થાય છે. વાપી ઉડામાં મનપા વિસ્તાર સિવાય પારડી તાલુકાના ટુકવાડા ગામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પણ વાપી આસપાસના અન્ય સાત જેટલા ગામોને પણ તબક્કાવાર વાપી ઉડામાં સમાવેશ થશે. હમણાં તો વાપી મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા ૧૧ ગામોમાં જ પાયાની સગવડો તેમજ માળખાકિય સુવિધાઓ ઊભી કરવામાં મનપાના શાસકો તેમજ પ્રશાસનની પ્રાથમિકતા છે. વાપી અર્બન ડેવલપમેન્ટ ઓથરિટી અતર્ગત વિકાસ યોજના-2045ને લઈને ચાલી રહેલી કાર્યવાહી હવે તેના અંતિમ તબક્કામાં છે. 3-11-2026 ગેઝેટમાં પ્રસિદ્ધ થયેલા આ મુસદ્દાને આગામી બે માસ સુધી વાંધા-સૂચન માટે મનપાની ટાઉન પ્લાનીંગ શાખામાં લોકો માટે જાહેર કરવામાં આવ્યો છે. જેમાં વાપી ઉડાના વિકાસ નકશાનો મુસદ્દારૂપ અહેવાલ, તેનો બેઝમેપનો નકશો, તેનો હયાત જમીન વપરાશનો નકશો તથા વાપી ઉડાની વિકાસ યોજનાનો સૂચિત જમીન વપરાશનો નકશો સામેલ છે. આ વિકાસ નકશાની જોગવાઈનું પ્રેઝન્ટેશન ૧૩ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સંબંધિત લોકો વચ્ચે કરવામાં આવ્યું હતું. હવે જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં આ વિકાસ નકશાને અંતિમરૂપ અપાશે. વાપી શહેર તથા તેની આસપાસના વિસ્તારનો સુનિયોજીત વિકાસ થાય તેના માટે પહેલા ૧૦ વર્ષનો આ વિકાસ નકશો તૈયાર થશે. પરંતુ તેનું વિઝન-2045 સુધીનું ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે.
વાપી ઉડાનો વિકાસ નકશો 81.70 સ્કેવર કિલો મીટરનો
વાપી મનપાના ૧૩ વોર્ડ જેમાં ૧૧ ગામોનો સમાવેશ થયો છે તેનો 72.74 સ્કેવરકિલો મીટર તેમજ ટુકવાડાનો વિસ્તાર મળીને વાપી ઉડા વિસ્તારનો 81.70 સ્કેવર કિલો મીટરના વિસ્તારનો આ વિકાસ નકશો બન્યો છે. જેમાં રસ્તા તેમજ ઝોન સહિતનું આયોજન હાથ ધરાશે. વાપી પાલિકા વિસ્તારમાં જે એક ટીપી બની છે તેને પણ હવે આ વિકાસ નકશામાં સમાવીને નવેસરથી અન્ય વિસ્તારમાં ટીપી બનશે. હમણાં તો ફક્ત સૂચિત રસ્તાઓ તેમજ ઝોન માટે જ આ વિકાસ નકશામાં જોગવાઈ કરી છે.
કોલક નદીના સામે કિનારે પારડી તાલુકાના ટુકવાડા ગામનો સમાવેશ
વાપી ઉડાનો વિકાસ નકશો જોઈએ તો તેમાં બે નદી જેમાં દમણ ગંગા નદી એક તરફ છે જયારે બીજી તરફ કોલક નદી છે. કોલક નદીના સામે કિનારે પારડી તાલુકાના ટુકવાડા ગામનો વાપી ઉડામાં સમાવેશ કરવામાં આવ્યો છે. વાપી ઉડામાં મુંબઈથી સુરત તરફ જતી રેલવે લાઈન આવે છે. રેલવે સ્ટેશન, બુલેટ ટ્રેનની ટ્રેક તેમજ ડુંગરામાં બુલેટ ટ્રેનનું સ્ટેશન તેમજ વાપીની વચ્ચેથી જતો નેશનલ હાઈવે-૪૮ જેવા પરિબળોને ધ્યાનમાં લઈને આ વિકાસ નકશામાં સૂચિત રસ્તાઓ તેમજ ઝોનીંગ કરવામાં આવ્યા છે.
VAPI UDA કેમ ?
વાપી મહાનગરપાલિકા બની ત્યારે પણ VMC ને બદલે અહીં VPMC કરવું પડ્યું છે. વડોદરા અને વાપી બંને ટૂંકા અંગ્રેજી અક્ષરોમાં એક સરખા થઈ જાય તેમ હોવાથી વાપી મ્યુન્સિપલ કોર્પોરેશનને VPMC કર્યુ તે જ રીતે વાપી અર્બન ડેવલમેન્ટ ઓથોરિટી (VUDA)કરવાને બદલે VAPI UDA કરવામાં આવ્યું છે. આમ વાપી ઉડા હવે તેના વિકાસ નકશાને અંતિમ તબક્કા બાદ વાપી વધુ રફતાર સાથે અન્ય શહેરને આંબવામાં અગ્રેસર થશે તેવું લાગે છે.