અમેરિકાના મિનેસોટા રાજ્યમાં મુસાફર દ્વારા કથિત રીતે હુમલાનો ભોગ બનેલા 51 વર્ષીય ઉબેર ડ્રાઇવર મોહમ્મદ યુસુફનું સારવાર દરમિયાન મોત થયું છે. સોમાલી-અમેરિકન યુસુફનું 28 નવેમ્બરે મિનેપોલિસ નજીક આવેલી હેનેપિન કાઉન્ટી મેડિકલ સેન્ટરમાં અવસાન થયું હતું. આ મામલે અગાઉ હત્યાના પ્રયાસ અને કારજેકિંગના આરોપોનો સામનો કરી રહેલા 25 વર્ષીય સમિત અપુર્વ પટેલ સામે હવે સેકન્ડ-ડિગ્રી ઇરાદાપૂર્વકની હત્યાનો આરોપ ઉમેરવાની જાહેરાત સરકારી વકીલે કરી છે.
આ ઘટના 14 નવેમ્બરના રોજ મિનેપોલિસના ઉપનગર હોપકિન્સમાં બની હતી. કોર્ટના દસ્તાવેજો અનુસાર, યુસુફ તે સમયે પોતાના ભાઈ સાથે ફોન પર વાત કરી રહ્યા હતા. તેમના ભાઈ પણ ઉબેર ડ્રાઇવર છે. યુસુફે એક મુસાફરને કારમાં બેસાડ્યો ત્યારે ફોન ચાલુ હતો. યુસુફના ભાઈના જણાવ્યા અનુસાર, તેમણે મુસાફરને યુસુફને તેમનું નામ પૂછતા સાંભળ્યા હતા. યુસુફે પોતાનું નામ મોહમ્મદ જણાવ્યું ત્યારે મુસાફરે કહ્યું હતું કે તેને આ નામ પસંદ નથી. ત્યારબાદ બંને વચ્ચે દલીલ થઈ હોવાનું કોર્ટના દસ્તાવેજોમાં જણાવાયું છે.
થોડીવાર પછી યુસુફના ભાઈએ ફોન પર તેમને સોમાલી ભાષામાં મદદ માટે બૂમો પાડતા સાંભળ્યા હતા. ફરિયાદ મુજબ, યુસુફે કહ્યું હતું કે તેમને સીટબેલ્ટથી ગળું દબાવવામાં આવી રહ્યું છે. આરોપ છે કે હુમલાખોરે યુસુફને તેમની જ કારથી કચડી નાખ્યા હતા અને રસ્તા પાસેની ખાઈમાં છોડીને ફરાર થઈ ગયો હતો.
આ કેસમાં સમિત અપુર્વ પટેલ સામે શરૂઆતમાં સેકન્ડ-ડિગ્રી હત્યાના પ્રયાસ અને કારજેકિંગના આરોપો લગાવવામાં આવ્યા હતા. યુસુફના મૃત્યુ બાદ હેનેપિન કાઉન્ટીના એટર્ની મેરી મોરિયાર્ટીએ આરોપને સેકન્ડ-ડિગ્રી ઇરાદાપૂર્વકની હત્યામાં બદલવાની જાહેરાત કરી હતી. પટેલનાં વકીલ કેથરીન ટર્નરે જણાવ્યું હતું કે તેમના અસીલ યુસુફના મૃત્યુથી દુઃખી છે અને કેસની તપાસ તથા કાનૂની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી જાહેર જનતાએ કોઈ નિષ્કર્ષ પર ન પહોંચવું જોઈએ.
મોરિયાર્ટીએ અગાઉ જણાવ્યું હતું કે હુમલો કોઈ પૂર્વગ્રહ કે ભેદભાવથી પ્રેરિત હતો તે સાબિત કરવા પૂરતા પુરાવા હાલ ઉપલબ્ધ નથી. જોકે, આ ઘટનાથી મિનેસોટામાં રહેતા સોમાલી સમુદાયમાં ચિંતા ફેલાઈ છે. યુસુફ 1993માં અમેરિકા આવ્યા હતા અને વર્ષોથી ડ્રાઇવર તરીકે કામ કરતા હતા. તેમના પરિવારમાં પાંચ સંતાનો છે.