ઝડપાયેલા જૈશ-એ-મોહમ્મદના આતંકી શાહરુલની તપાસ અને પૂછપરછ દરમિયાન વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી છે. સુરક્ષા અને તપાસ એજન્સીઓને આરોપીના મોબાઈલ ફોનમાંથી ખંડેરાવ માર્કેટ ખાતે આવેલી મહાનગરપાલિકાની કચેરીના ફોટા મળી આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આ ઘટનાક્રમને પગલે સ્થાનિક તંત્ર અને સુરક્ષા એજન્સીઓમાં સતર્કતા વધુ તીવ્ર બની છે.
મળતી વિગતો અનુસાર આરોપી શાહરુલે રિક્ષા મારફતે ખંડેરાવ માર્કેટ સ્થિત પાલિકા કચેરી વિસ્તારની રેકી કરી હતી અને તે દરમિયાન જ તેણે કચેરીના ફોટા ઝડપ્યા હતા. અગાઉ પણ તપાસમાં એવી માહિતી બહાર આવી હતી કે તેના મોબાઈલમાંથી દરજીપુરા ખાતે આવેલા એરફોર્સ સ્ટેશનના ફોટા પણ મળી આવ્યા હતા. મહત્વપૂર્ણ સંવેદનશીલ સ્થળો અને જાહેર કચેરીઓની આ પ્રકારની રેકી તથા ફોટોગ્રાફીની બાબતને તપાસ એજન્સીઓએ અત્યંત ગંભીરતાથી લીધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એકે-47 જેવા ઘાતક હથિયાર સાથે ઝડપાયેલા આ આતંકીની સઘન પૂછપરછ હજુ ચાલી રહી છે અને આવનારા સમયમાં તેની પાસેથી વધુ ચોંકાવનારી વિગતો તથા નેટવર્ક અંગેની માહિતી સામે આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. મોબાઈલમાંથી મળેલા ફોટા અને અન્ય ડિજિટલ તથા ભૌતિક પુરાવાઓના આધારે વિવિધ તપાસ એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.