બોડેલી: છોટાઉદેપુર જિલ્લાના બોડેલી વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલના કિનારે દવાની અસંખ્ય ખાલી બોટલો સહિત શંકાસ્પદ મેડિકલ કચરો ખુલ્લામાં ફેંકવામાં આવ્યો હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી છે. કેનાલની પાળી પર દવાની બોટલોનો મોટો જથ્થો જોવા મળતાં મેડિકલ વેસ્ટના બિનજવાબદાર નિકાલ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
આ ઘટનામાં સૌથી ચિંતાજનક બાબત એ છે કે દવાની બોટલો અને શંકાસ્પદ મેડિકલ કચરો નર્મદા કેનાલના પાણીથી માત્ર 10 ફૂટ જેટલા અંતરે ફેંકવામાં આવ્યો છે. વરસાદી પાણી કે અન્ય કારણોસર આ કચરો કેનાલમાં ભળી જાય તો પાણીની ગુણવત્તા અને તેનો ઉપયોગ કરતા લોકોના આરોગ્ય પર શું અસર થઈ શકે તે ચિંતાનો વિષય બન્યો છે.
મેડિકલ વેસ્ટના નિકાલ માટે વ્યવસ્થા હોવા છતાં ખુલ્લામાં કચરો કોણે ફેંક્યો?
મેડિકલ વેસ્ટના નિકાલ માટે સરકાર દ્વારા નિર્ધારિત નિયમો અને વિશેષ વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે. આવા કચરાના સંગ્રહ અને નિકાલ માટે વિશેષ વાહનોની સુવિધા પણ હોય છે. તેમ છતાં જાહેર સ્થળે દવાની બોટલો અને શંકાસ્પદ મેડિકલ કચરો ફેંકવામાં આવ્યો હોય તો તે ગંભીર બેદરકારી ગણાય.
હવે સવાલ એ છે કે દવાની આ બોટલો ક્યાંથી આવી? કઈ હોસ્પિટલ, મેડિકલ સંસ્થા કે અન્ય એકમમાંથી આ કચરો લાવવામાં આવ્યો છે? શું આ ખરેખર મેડિકલ વેસ્ટ છે અને તેને કોણે અહીં ઠાલવ્યો છે?
આરોગ્ય વિભાગની તપાસ અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ
નર્મદા કેનાલના પાણીનો ઉપયોગ વિવિધ હેતુઓ માટે થતો હોવાથી તેની નજીક આ પ્રકારનો કચરો ફેંકવો પર્યાવરણ અને જાહેર આરોગ્યની દૃષ્ટિએ ગંભીર ચિંતાનો વિષય છે.
સ્થાનિક તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરી કચરાના નમૂનાઓની ચકાસણી કરવામાં આવે, યોગ્ય નિકાલ કરાવવામાં આવે અને જવાબદાર વ્યક્તિઓ કે સંસ્થાઓની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગ ઊઠી છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ ગંભીર બાબતને કેટલી ગંભીરતાથી લે છે.