મુંબઈમાં સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્સ એસોસિએશન (CINTAA)ની ઓફિસમાં વરિષ્ઠ અભિનેતા દીપક કાઝિર કેજરીવાલ સાથે મારામારી થઈ હોવાનો આરોપ સામે આવ્યો છે. આ ઘટના 26 નવેમ્બરના રોજ બની હોવાનું જણાવાયું છે. ઓફિસમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવતાં અભિનેતાએ સવાલ ઉઠાવ્યો હતો, જે બાદ દલીલબાજી થઈ હતી. આ દરમિયાન કેટલાક સભ્યોએ તેમને લાતો અને મુક્કા માર્યા હોવાનો આક્ષેપ છે. આ ઘટનામાં તેઓ ઘાયલ થયા હોવાનું પણ જણાવાયું છે.
આ મામલે CINTAAનાં હોદ્દેદાર ઉપાસના સિંહે જણાવ્યું હતું કે તેમણે દીપક કાઝિર વિરુદ્ધ FIR નોંધાવી છે. તેમના દાવા પ્રમાણે, દીપક કાઝિર હવે એસોસિએશનના સભ્ય નથી, તેમ છતાં તેઓ ઓફિસમાં આવીને હોબાળો કરે છે. ઉપાસના સિંહે એવો પણ આક્ષેપ કર્યો હતો કે અગાઉ પણ અનેક લોકોએ તેમની વિરુદ્ધ ફરિયાદો કરી છે.
બીજી તરફ, ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE)ના પ્રમુખ બી.એન. તિવારીએ આ ઘટનાને લઈને અલગ જ દાવો કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર, દીપક કાઝિર કેજરીવાલ અવારનવાર ડેઈઝી નામની મહિલા સાથે CINTAAની ઓફિસે આવે છે અને ત્યાં હાજર લોકો સાથે અયોગ્ય વર્તન કરે છે. તિવારીએ વધુમાં જણાવ્યું હતું કે દીપક કાઝિર કેન્સરના દર્દી હોવાથી અન્ય સભ્યો સામાન્ય રીતે તેમની સાથે વિવાદમાં પડવાનું ટાળે છે. આ ઘટનામાં અભિનેતા દીપક પરાશર બેભાન થઈ ગયા હોવાની માહિતી પણ તેમણે આપી હતી.
દીપક કાઝિર કેજરીવાલ ટેલિવિઝન અને ફિલ્મ જગતમાં લાંબા સમયથી સક્રિય છે. તેમણે 'બડે અચ્છે લગતે હૈં' અને 'કહાની ઘર ઘર કી' જેવા લોકપ્રિય ટીવી શોમાં કામ કર્યું છે. આ ઉપરાંત 'સહર હોને કો હૈ', 'સ્કેમ 2003: ધ તેલગી સ્ટોરી', 'અસુર' અને 'તેનાલી રામા' જેવા શોમાં પણ તેઓ જોવા મળ્યા છે. ફિલ્મોની વાત કરીએ તો તેઓ 'જાને ભી દો યારોં', 'રૂપ કી રાની ચોરોં કા રાજા' અને 'મેટ્રો... ઇન ડીનો' જેવા પ્રોજેક્ટ્સનો ભાગ રહી ચૂક્યા છે.