# સિંગવડ: સિંગવડથી પીપલોદ તરફ જતા માર્ગ પર 27 નવેમ્બર, 2026ના રોજ સાંજે આશરે 6 વાગ્યાના અરસામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મછેલાઈ-જામદરા ગામ નજીક પુરઝડપે અને બેદરકારીપૂર્વક આવેલા અજાણ્યા વાહનચાલકે સામેથી આવી રહેલી ગ્લેમર મોટરસાઇકલને જોરદાર ટક્કર મારતાં બાઈકચાલકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ હતી.
મળતી માહિતી મુજબ, પીપલોદથી સિંગવડ તરફ જતા માર્ગ પર ફરિયાદીના પુત્રની ગ્લેમર મોટરસાઇકલ નંબર GJ-20-BD-5190 સામેથી આવી રહી હતી. તે દરમિયાન અજાણ્યા વાહનના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને બેદરકારીપૂર્વક હંકારી મોટરસાઇકલને સામેથી ટક્કર મારી હતી. અકસ્માત દરમિયાન રસ્તાની બાજુમાં ચાલતા અન્ય એક વ્યક્તિને પણ વાહને અડફેટે લીધો હતો.
અકસ્માત સર્જ્યા બાદ વાહનચાલક વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં રણધીકપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવ અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 281, 125(એ)(બી), 106(1) તથા મોટર વ્હીકલ એક્ટની કલમ 177, 184 અને 134 મુજબ ગુનો નોંધી ફરાર વાહનચાલકની શોધખોળ સહિત વધુ તપાસ હાથ ધરી છે.