વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 29 નવેમ્બર, 2026ના રોજ પોતાના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ના 140મા એપિસોડમાં દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે નશીલા પદાર્થોના સેવન અને યુવાનોમાં વધતી વ્યસનની સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે આજે સમગ્ર વિશ્વમાં ભારતીય યુવાનોની પ્રતિભા અને ક્ષમતાની પ્રશંસા થઈ રહી છે. દેશના યુવાનો મોટાં સપનાં જોઈ રહ્યા છે અને તેને સાકાર કરવા માટે સમર્પણ સાથે મહેનત પણ કરી રહ્યા છે. જોકે, નશાની લત તેમની આકાંક્ષાઓ સામે મોટો પડકાર બની રહી છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે દેશમાં નશા વિરુદ્ધ જનભાગીદારી વધી રહી છે અને 'નશા મુક્ત યુવા અભિયાન'ને પણ વેગ મળી રહ્યો છે. અનેક યુવાનોએ પોતાની દૃઢ ઇચ્છાશક્તિના આધારે નશાની લત સામે સંઘર્ષ કરીને જીવનને નવી દિશા આપી છે. આ દરમિયાન તેમણે ફોન કોલ દ્વારા દિલ્હીના એક યુવાન સાથે વાતચીત કરી હતી, જેણે નશાની લતમાંથી બહાર આવીને નવું જીવન શરૂ કર્યું છે.
વાતચીત દરમિયાન યુવાને પોતાની વ્યસન મુક્તિની સફર વર્ણવી હતી. તેણે જણાવ્યું હતું કે તે દિલ્હીના સદર બજાર વિસ્તારમાં રહેતો હતો. આસપાસના લોકોને જોઈને ધોરણ 10માં અભ્યાસ કરતો હતો ત્યારે કુતૂહલવશ પ્રથમ વખત નશો કર્યો હતો. શરૂઆતમાં માત્ર જિજ્ઞાસાથી શરૂ થયેલી આ આદત ધીમે-ધીમે ગંભીર લતમાં ફેરવાઈ ગઈ હતી. તે ઘરના તમામ પૈસા નશા પાછળ ખર્ચવા લાગ્યો હતો.
નાની ઉંમરમાં માતા-પિતાનું અને ત્યારબાદ નાનીનું અવસાન થતાં તે નિરાધાર બની ગયો હતો અને રસ્તા પર રહેવા લાગ્યો હતો. મિત્રોએ પણ મદદ કરવાનો ઇનકાર કરતાં તેને સમજાયું કે નશાની લતને કારણે તેણે બધું ગુમાવી દીધું છે. જીવનમાં ચારે તરફ નિરાશા છવાઈ ગઈ હતી. આખરે તેણે હિંમત કરીને વસંત કુંજમાં આવેલા વ્યસન મુક્તિ કેન્દ્રનો સંપર્ક કર્યો અને સારવાર શરૂ કરાવી હતી. સારવાર બાદ આજે તે સંપૂર્ણપણે વ્યસન મુક્ત બનીને સકારાત્મક જીવન જીવી રહ્યો છે.
કાર્યક્રમમાં વડાપ્રધાને ડિજિટલ સુરક્ષા માટેની 'સંચાર સાથી' એપની ઉપલબ્ધિઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ એપની મદદથી અત્યાર સુધીમાં 14 લાખથી વધુ ખોવાયેલા કે ચોરાયેલા મોબાઇલ ફોન પરત મેળવવામાં સફળતા મળી છે. 23 ભાષાઓમાં ઉપલબ્ધ આ પ્લેટફોર્મ દ્વારા મોબાઇલનો IMEI નંબર બ્લોક કરી શકાય છે. આથી ફોનમાં નવું સિમ કાર્ડ નાખીને તેનો ઉપયોગ કરવો મુશ્કેલ બને છે. જો કોઈ બ્લોક કરાયેલા ફોનમાં સિમ નાખવાનો પ્રયાસ કરે તો સંબંધિત તંત્રને એલર્ટ મળે છે.
વડાપ્રધાનના જણાવ્યા અનુસાર, 'સંચાર સાથી' સાથે 1,600થી વધુ સંસ્થાઓ જોડાયેલી છે. આ વ્યવસ્થાની મદદથી છેતરપિંડી સાથે સંકળાયેલા 35 હજાર મોબાઇલ કનેક્શન બંધ કરવામાં આવ્યાં છે અને અંદાજે રૂ. 5,000 કરોડની સાયબર છેતરપિંડી અટકાવવામાં આવી છે.
આ ઉપરાંત, વડાપ્રધાને સરકારી કર્મચારીઓની ક્ષમતા વધારવા માટે શરૂ કરવામાં આવેલા 'iGOT કર્મયોગી' પ્લેટફોર્મનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ પ્લેટફોર્મ પર સરકારી કર્મચારીઓએ વિવિધ અભ્યાસક્રમો પૂર્ણ કર્યા છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય કર્મચારીઓમાં નાગરિકોની સેવા કરવાની ભાવના મજબૂત કરવાનો છે. તેનું માર્ગદર્શક સૂત્ર 'નાગરિક દેવો ભવ' છે, જેનો અર્થ નાગરિકોને ઈશ્વર સમાન માનીને તેમની સેવા કરવાનો છે.