વડોદરા, તા. 29: ગુજરાત ATS દ્વારા જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા આરોપી મોહમ્મદ સાહરુલની ધરપકડ બાદ તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. ATSની તપાસમાં એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. આરોપીના ઘરે તપાસ દરમિયાન એક ડબ્બામાંથી જૂનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. આ મોબાઇલના માધ્યમથી પાકિસ્તાની હેન્ડલર સાથે સંપર્ક હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તપાસમાં જૂનો ફોન બંધ કરીને નવો મોબાઇલ ખરીદવા માટે આરોપીને નાણાં આપવામાં આવ્યાં હોવાની વિગતો પણ બહાર આવી છે.
ATSની પૂછપરછમાં આરોપી વિવિધ કટ્ટરવાદી ગ્રૂપ સાથે જોડાયેલો હોવાની તેમજ અન્ય યુવાનોને પણ કટ્ટરવાદી વિચારધારા તરફ વાળવાનો પ્રયાસ કરતો હોવાની વિગતો મળી હોવાનું જાણવા મળે છે. નવો મોબાઇલ ખરીદ્યા બાદ તેને હથિયારો મેળવવા અને એરફોર્સ સ્ટેશનની વીડિયો રેકોર્ડિંગ કરવાનું ટાસ્ક સોંપવામાં આવ્યું હોવાની વિગતો પણ તપાસમાં સામે આવી છે.
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે પૂછપરછ દરમિયાન આરોપીએ કોઈ ઘટનાને અંજામ આપ્યા બાદ પોતાનું મોત થયું હોત તો પોતાને ખુશનસીબ માનત, તેવો જવાબ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. ધરપકડ બાદ પણ તેને કોઈ અફસોસ ન હોવાનું અને જેલમાંથી છૂટ્યા બાદ પાકિસ્તાન જઈને જૈશ-એ-મોહમ્મદમાં જોડાવાની ઇચ્છા ધરાવતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
હાલ ATS આરોપીના જૂના મોબાઇલ, સંભવિત પાકિસ્તાની સંપર્કો, કટ્ટરવાદી નેટવર્ક અને અન્ય યુવાનો સાથેની કડીઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.