જમ્મુ અને કાશ્મીર તેમજ પંજાબમાં 27 થી 28 નવેમ્બર 2026 દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પ્રિવેન્શન ઓફ મિની લાન્ડ્રીંગ એક્ટ (PMLA), 2002 હેઠળ આઠ સ્થળોએ તલાશી લેવામાં આવી હતી. આ દરોડા કઠુઆ જિલ્લાના મરહીન તહસિલ, બન્યારી, બકરાક કોલોની, કરંદી કલાં, છપકી કલાં, ઉધમપુર જિલ્લો અને પંજાબના પઠાણકોટ સહિતના આઠ સ્થળો પર કરવામાં આવ્યા હતા. આ તપાસ સેફ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન નામના ફ્રોડ્યુલન્ટ મની-મલ્ટીપ્લાયર અને ઇન્વેસ્ટમેન્ટ સ્કીમની આસપાસ કેન્દ્રિત છે, જેણે રોકાણકારો સાથે 70 કરોડ રૂપિયાથી વધુની ઠગાઈ કરી હતી.
આ છેતરપિંડી કથિત રીતે ભૂતપૂર્વ સશસ્ત્ર સીમા બલ (SSB) અધિકારી ગુરમીત સિંહ અને તેના સહયોગીઓ દ્વારા ચલાવવામાં આવી હતી. આ કૌભાંડમાં સેવામાં રહેલા અને નિવૃત્ત થયેલા એસએસબી જવાનો તેમજ સામાન્ય જનતાને ઊંચા અને ખાતરીપૂર્વકના માસિક વળતરની લાલચ આપીને નિશાન બનાવવામાં આવ્યા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી ઠગોએ 'સ્ટાઇલ ઓ કોઈન' નામની પોતાની કસ્ટમ ક્રિપ્ટોકરન્સી બનાવી હતી અને નાણાં એકત્ર કરવા માટે સ્ટાઇલ ઓ ઇન્ડસ્ટ્રી અને સ્ટાઇલ ઓ કમ્ફર્ટ ક્રિએશન્સ પ્રાઇવેટ લિમિટેડ જેવા વ્યવસાયિક એકમો ચલાવ્યા હતા.
દરોડાની આ કાર્યવાહી દરમિયાન ED દ્વારા આશરે 47 લાખ રૂપિયાની બેંક સિલક ફ્રીઝ કરવામાં આવી છે અને બે હાઇ-એન્ડ લક્ઝરી વાહનો, રિયલ એસ્ટેટના દસ્તાવેજો, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ તથા અન્ય ગુનાહિત રેકોર્ડ જપ્ત કરવામાં આવ્યા છે. ઓપરેશન દરમિયાન અંદાજે 37,000 રૂપિયાની સમકક્ષ અંદાજિત મૂલ્ય ધરાવતું યુએઈ દિરહામ, થાઈ બાહત, અઝરબૈજાની મનાત અને ઓસ્ટ્રેલિયન ડૉલર જેવું વિદેશી ચલણ પણ મળી આવ્યું હતું. EDની આ મની લોન્ડરિંગ તપાસ જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને બિહાર સહિતના રાજ્યોની પોલીસ સત્તાવાળાઓ દ્વારા નોંધવામાં આવેલા બહુવિધ એફઆઈઆર પર આધારિત છે.