મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા લશ્કરી સંઘર્ષ વચ્ચે એલોન મસ્કની કંપની સ્પેસએક્સની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા સ્ટારલિંકના કથિત લશ્કરી ઉપયોગને લઈને નવો વિવાદ ઊભો થયો છે. એક આંતરરાષ્ટ્રીય અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકા અને ઇઝરાયલે તેહરાન સામે લશ્કરી કાર્યવાહી શરૂ કર્યા બાદ ઈરાને મિડલ ઇસ્ટમાં તૈનાત અમેરિકી દળો સામેના ઓપરેશનમાં સ્ટારલિંકનો અનધિકૃત ઉપયોગ કર્યો હતો. આ ખુલાસા બાદ એલોન મસ્ક નારાજ થયા હોવાનું કહેવાય છે. બીજી તરફ, અમેરિકી સૈન્ય દ્વારા પણ સ્પેસએક્સની લશ્કરી સેટેલાઇટ સેવા સ્ટારશીલ્ડનો ઉપયોગ ડ્રોન ઓપરેશનમાં કરાયો હોવાની વિગતો સામે આવી છે. આ ઘટનાક્રમ બાદ કંપનીએ ગ્રાહકો પર દેખરેખ અને નિયંત્રણો વધુ કડક બનાવ્યાં છે.
અહેવાલ મુજબ, સંઘર્ષના શરૂઆતના દિવસોમાં જ સ્પેસએક્સે સ્ટારલિંકના બે શંકાસ્પદ અને બિનઅધિકૃત ઉપયોગની ઓળખ કરી હતી. આ ઉપયોગો અમેરિકી સૈન્ય સામે ઈરાનની લશ્કરી ગતિવિધિઓ સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે. સ્ટારલિંકનો ઉપયોગ કમાન્ડ, કંટ્રોલ અને એકમાર્ગી હુમલાખોર ડ્રોનની દેખરેખ માટે કરવામાં આવ્યો હોવાનો દાવો છે. ઉનાળા દરમિયાન અમેરિકાના સંરક્ષણ સચિવ પીટ હેગસેથને સોંપવામાં આવેલા એક ગુપ્ત યુદ્ધ અહેવાલમાં પણ ઈરાન દ્વારા સ્ટારલિંકના ઉપયોગનો ટૂંકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. જોકે, પેન્ટાગોને સ્પષ્ટતા કરી છે કે સંરક્ષણ સચિવના કાર્યાલયને સેન્ટ્રલ કમાન્ડ તરફથી આવો કોઈ અહેવાલ મળ્યો હોવાની તેને જાણ નથી.
આ દરમિયાન 1 માર્ચે કુવૈતના પોર્ટ શુઆઈબા સ્થિત અમેરિકી લશ્કરી મથક પર ઈરાની ડ્રોન હુમલો થયો હતો, જેમાં છ અમેરિકી સૈનિકોનાં મોત થયાં હતાં. આ હુમલામાં સ્ટારલિંકનો ઉપયોગ થયો હતો કે નહીં તે અંગે હજુ સુધી કોઈ નક્કર પુરાવા સામે આવ્યા નથી. પેન્ટાગોને પણ આ હુમલાની તપાસનાં તારણો જાહેર કર્યાં નથી.
બીજી તરફ, અમેરિકી સૈન્ય દ્વારા સ્પેસએક્સની બીજી સેટેલાઇટ સેવા 'સ્ટારશીલ્ડ'ના ઉપયોગને લઈને પણ કંપનીમાં ચિંતા ઊભી થઈ હતી. અહેવાલ મુજબ, જમીન આધારિત કામગીરી માટે લેવામાં આવેલા સબ્સ્ક્રિપ્શન હેઠળ અમેરિકી સૈન્યએ હુમલાખોર ડ્રોન ચલાવવા માટે સ્ટારશીલ્ડનો ઉપયોગ કર્યો હતો. આ અંગે જાણ થતાં એલોન મસ્ક નારાજ થયા હોવાનું કહેવાય છે. આ બંને ઘટનાઓના પગલે તે જ અઠવાડિયાના અંત સુધીમાં સ્પેસએક્સના ઓછામાં ઓછા બે ઉચ્ચ અધિકારીઓને નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, મસ્ક કે સ્પેસએક્સે આ અંગે સત્તાવાર નિવેદન આપ્યું નથી. ત્યારબાદ કંપનીએ થર્ડ પાર્ટી વિક્રેતાઓ મારફતે સેવાઓ ખરીદતા ગ્રાહકો પર દેખરેખ અને નિયંત્રણો વધાર્યાં છે.
આ વિવાદ વચ્ચે ઈરાનની સરકારી સમાચાર એજન્સી મેહર ન્યૂઝે 26 નવેમ્બરે પોતાની ટેલિગ્રામ ચેનલ પર AI દ્વારા તૈયાર કરેલો એક વીડિયો જાહેર કર્યો હતો. આ કાલ્પનિક વીડિયોમાં અમેરિકાની અગ્રણી ટેક કંપનીઓ એમેઝોન, માઇક્રોસોફ્ટ અને સ્પેસએક્સનાં મુખ્યાલયો પર ડ્રોન હુમલા, વિસ્ફોટ અને આગનાં દૃશ્યો દર્શાવવામાં આવ્યાં હતાં. વીડિયોમાં આ કંપનીઓ પર ઈરાન વિરુદ્ધની લશ્કરી કાર્યવાહીને સમર્થન આપવાનો અને અમેરિકી તથા ઇઝરાયલી સૈન્ય સાથે સાંઠગાંઠ રાખવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
વીડિયોમાં અંગ્રેજીમાં ચેતવણી આપતાં કહેવામાં આવ્યું હતું કે, "અમે અમેરિકી નાગરિકોને નુકસાન નહીં પહોંચાડીએ, પરંતુ આને એક ચેતવણી સમજો. પસ્તાવો કરશો કે વિનાશ વહોરશો? પસંદગી તમારી છે, અમેરિકા." આ વીડિયોમાં 28 ફેબ્રુઆરીએ દક્ષિણ ઈરાનના મીનાબ ખાતે આવેલી શજારેહ તૈયબેહ પ્રાથમિક શાળા પર થયેલા બોમ્બમારાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાતોના મતે, યુદ્ધના પ્રથમ દિવસે થયેલા આ હુમલામાં ઓછામાં ઓછી 175 વિદ્યાર્થિનીઓનાં મોત થયાં હતાં. વીડિયોમાં પેન્ટાગોનની એક પ્રેસ રિલીઝ પણ દર્શાવવામાં આવી હતી, જેમાં એમેઝોન વેબ સર્વિસીસ, સ્પેસએક્સ અને માઇક્રોસોફ્ટ સાથેની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભાગીદારીનો ઉલ્લેખ હતો.
ઈરાનમાં સ્ટારલિંકની હાજરી પણ ચર્ચાનો વિષય બની છે. દેશમાં આ સેવા ચલાવવા માટે કોઈ સત્તાવાર લાઇસન્સ આપવામાં આવ્યું નથી, તેમ છતાં એલોન મસ્ક અગાઉ સ્વીકારી ચૂક્યા છે કે ઈરાનમાં સ્ટારલિંક સક્રિય છે. જાન્યુઆરીમાં થયેલા દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો અને ફેબ્રુઆરીના અંતમાં શરૂ થયેલા યુદ્ધ બાદ ઈરાની સરકારે જાહેર ઇન્ટરનેટ પર કડક નિયંત્રણો લાદ્યાં હતાં. અહેવાલો અનુસાર, વિરોધ પ્રદર્શનો દરમિયાન નાગરિકોને ઇન્ટરનેટની સુવિધા મળી રહે તે માટે અમેરિકી સરકારે હજારો સ્ટારલિંક ટર્મિનલ્સ ગુપ્ત રીતે ઈરાન પહોંચાડ્યાં હતાં.
અગાઉ રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન પણ સ્ટારલિંકના લશ્કરી ઉપયોગને લઈને વિવાદ થયો હતો. હવે ઈરાનના મામલે સ્પેસએક્સ સામે મુશ્કેલ સ્થિતિ ઊભી થઈ છે. જો કંપની ઈરાનમાં પોતાનું નેટવર્ક સંપૂર્ણપણે બંધ કરે તો સરકારી ઇન્ટરનેટ પ્રતિબંધો વચ્ચે દુનિયા સાથે જોડાયેલા રહેવા માટે સ્ટારલિંક પર નિર્ભર સામાન્ય નાગરિકો અને વિરોધ પ્રદર્શનકારીઓનો સંપર્ક તૂટી શકે છે. આમ, એક તરફ લશ્કરી ઉપયોગ પર નિયંત્રણ રાખવાનો પડકાર છે તો બીજી તરફ સામાન્ય નાગરિકો માટે ઇન્ટરનેટની સુવિધા જાળવી રાખવાનો પ્રશ્ન પણ છે.