અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન હેઠળ મહિલાઓ પરના પ્રતિબંધો વધુ કડક બની રહ્યા છે. મહિલાઓના શિક્ષણ, નોકરી અને જાહેર જીવનમાં ભાગ લેવા પર નિયંત્રણો લાદ્યા બાદ હવે તેમના નામને લઈને પણ વિવાદાસ્પદ ફરમાન જારી કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અફઘાનિસ્તાનના બલ્ખ પ્રાંતમાં જારી કરવામાં આવેલા ફતવા મુજબ, સરકારી દસ્તાવેજોમાં મહિલાઓનાં નામ લખવાને બદલે અન્ય શબ્દોનો ઉપયોગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ ફરમાન અનુસાર, મેડિકલ રેકોર્ડ, દવાઓની ચિઠ્ઠી અને અન્ય સત્તાવાર દસ્તાવેજોમાં મહિલાઓનાં નામનો ઉલ્લેખ નહીં કરવાનો રહેશે. તેના બદલે ‘બીબી’ જેવા શબ્દોનો ઉપયોગ કરવા ઉપરાંત બકરી અને ગાય જેવા પશુઓનાં નામ લખવાનો આદેશ અપાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ નિર્ણયને મહિલાઓની ઓળખ અને ગરિમાને ઠેસ પહોંચાડતા પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે.
અફઘાનિસ્તાનનાં મહિલા અધિકાર કાર્યકર લાલાહ ઓસ્માનીએ આ નિર્ણયની ટીકા કરતાં કહ્યું છે કે તાલિબાન મહિલાઓનું સ્તર નીચું લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને તેમની સરખામણી પશુઓ સાથે કરી રહ્યું છે. તેમના મતે, તાલિબાન મહિલાઓને વ્યક્તિ તરીકે નહીં, પરંતુ માત્ર સંપત્તિ તરીકે જુએ છે. મહિલાઓની ઓળખ પરના નિયંત્રણો માત્ર સરકારી દસ્તાવેજો પૂરતા મર્યાદિત હોવાનો દાવો નથી. મહિલાઓની કબર પર પણ તેમનાં નામ લખવાની મનાઈ હોવાની વાત સામે આવી છે. વર્ષ 2021માં તાલિબાને અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળી ત્યારથી મહિલાઓના અધિકારો અને સ્વતંત્રતા પર અનેક નિયંત્રણો લાદવામાં આવ્યાં છે.
12 વર્ષથી વધુ વયની છોકરીઓ અને યુવતીઓના શિક્ષણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મહિલાઓને જાહેરમાં ભાષણ આપવા, સંબોધન કરવા અને અનેક ક્ષેત્રોમાં નોકરી કરવા પર પણ રોક લગાવવામાં આવી છે. આ ઉપરાંત, ઘરેલુ હિંસા અંગેના નિયમોને લઈને પણ ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે મહિલાને ગંભીર શારીરિક ઈજા ન થાય અથવા હાડકું ન ભાંગે ત્યાં સુધી મારપીટને ઘરેલુ હિંસા તરીકે માન્યતા આપવામાં આવતી નથી. સગીરો પરના જાતીય અત્યાચારને લગતા કાયદાકીય ફેરફારો અંગે પણ ગંભીર આક્ષેપો થયા છે. તાલિબાન અફઘાનિસ્તાનમાં શરિયા કાયદાનો અમલ કરવાનો દાવો કરે છે અને તેના નિર્ણયોને આ કાયદા હેઠળ યોગ્ય ઠેરવે છે. જોકે, મહિલાઓના શિક્ષણ, રોજગાર, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને વ્યક્તિગત ઓળખ પર લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે તેના શાસનની સતત ટીકા થઈ રહી છે.