દિલ્હીના પૂર્વ વિસ્તારમાં આવેલા વિશ્વાસ નગરમાં રવિવારે વહેલી સવારે એક ઘરમાં આગ લાગતાં ચાર લોકોનાં મોત થયાં હતાં, જ્યારે બે લોકો ઘાયલ થયા હતા. પ્રાથમિક તપાસમાં ઘરના પાર્કિંગ વિસ્તારમાં ઈ-રિક્ષા ચાર્જિંગ પોઇન્ટમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આગ લાગી ત્યારે ઘરના પહેલા માળે છ લોકો સૂતા હતા. ફાયર બ્રિગેડની ટીમે તમામને બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જ્યાં ચાર લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

આ ઘટના રવિવારે સવારે આશરે 4:30 વાગ્યે વિશ્વાસ નગરની ગલી નંબર 11માં યુનિટી મોલ નજીક બની હતી. ઘરના અંદરના ભાગમાં આવેલા ઈ-રિક્ષા પાર્કિંગ વિસ્તારમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો સ્થળ પર પહોંચી હતી. આગ પર કાબૂ મેળવવા માટે એક વોટર ટેન્ડર, એક વોટર બાઉઝર અને ક્વિક રિસ્પોન્સ વાહન મોકલવામાં આવ્યાં હતાં. સવારે આશરે 5 વાગ્યા સુધીમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

આગને કારણે પહેલા માળે ફસાયેલા છ લોકોને અગ્નિશામકોએ સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. ત્યારબાદ CAT એમ્બ્યુલન્સ અને પોલીસની મદદથી તમામને હેડગેવાર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ચાર લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે બે ઘાયલોની સારવાર ચાલી રહી છે.
પ્રાથમિક માહિતી મુજબ, ઈ-રિક્ષાની બેટરી ચાર્જ થતી વખતે શોર્ટ સર્કિટ થયું હોવાની આશંકા છે. બેટરીમાં વિસ્ફોટ થયો હોવાની શક્યતા પણ તપાસવામાં આવી રહી છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસ અને સંબંધિત તપાસ ટીમો ઘટનાસ્થળે તપાસ કરી રહી છે. મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. ઘરના આશરે 60 ચોરસ યાર્ડ વિસ્તારમાં આવેલા પાર્કિંગ ભાગમાં આગ લાગી હોવાનું ફાયર વિભાગે જણાવ્યું છે.