અરેઠ તાલુકાના પાટણા ગામની સીમમાં આવેલા એક સોલાર પ્લાન્ટમાંથી અજાણ્યા તસ્કરો આશરે રૂ.૬,૦૦,૦૦૦ની કિંમતના ડી.સી. કેબલ ચોરી કરી ગયા હતા. ઉપરાંત વાયર કાપવાથી આશરે રૂ.૫૦,૦૦૦નું નુકસાન થતાં મામલો તડકેશ્વર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. આ બાબતે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.
અરેઠના પાટણા ગામની સીમના બ્લોક નં.૧૬૦માં છેલ્લા સાતેક મહિનાથી શ્રી બાલક્રિષ્ણ ટેક્ષોફેબ પ્રા.લિ.નો સોલાર પ્લાન્ટ કાર્યરત છે. તા.૨૦/૧૧/૨૦૨૬ના રોજ સાંજે ૬ વાગ્યાથી તા.૨૧/૧૧/૨૦૨૬ના રોજ સાંજે ૪ વાગ્યા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ પ્લાન્ટમાં પ્રવેશ કરી ઇન્વર્ટરમાંથી સોલાર પેનલમાં લગાવેલા અપાર ઇન્ડસ્ટ્રિઝ કંપનીના ૪ સ્ક્વેર એમ.એમ.ના કાળા તથા લાલ-કાળા રંગના આશરે ૭,૮૦૦ મીટર ડી.સી. કેબલ વાયરની ચોરી કરી હતી. તા.૨૧/૧૧/૨૦૨૬ના રોજ સવારે ૧૧:૩૦ વાગ્યાના સુમારે ઓફિસ કર્મચારી અક્ષયભાઈએ સુપરવાઇઝર જયેશકુમાર મકવાણાને જાણ કરી હતી કે, ૨૦ નવેમ્બરની સાંજ સુધી પ્લાન્ટમાં જનરેશન બરાબર આવતું હતું, પરંતુ હાલ ઓછું આવી રહ્યું છે. તપાસ કરતાં ડી.સી. કેબલ વાયર કપાયેલા અને ગાયબ હોવાનું જણાયું હતું. આ બનાવમાં તસ્કરોએ આશરે રૂ.૬,૦૦,૦૦૦ની કિંમતના ડી.સી. કેબલ વાયર ચોરી કરી જવા સાથે વાયર કાપી રૂ.૫૦,૦૦૦નું નુકસાન કર્યું હતું.
પ્લાન્ટ એન્જિનિયર પરેશભાઈ ભીમજીભાઈ ધોળીયા (રહે., સી-202, શાંતિનિકેતન ફ્લોરા, મોટા વરાછા, સુરત)એ સ્ટાફ અને સિક્યુરિટી સાથે આસપાસ તપાસ કર્યા બાદ પણ વાયર ન મળતાં, આખરે તા.૨૮/૧૧/૨૦૨૬ના રોજ તડકેશ્વર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તડકેશ્વર પોલીસે ગુનો દાખલ કરી પી.એસ.આઈ. સી.બી.રાઠવાએ આગળની તપાસ હાથ ધરી છે.