સુરત: મોપેડની બોડીમાં સ્ક્રેચ પડી જવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલો વિવાદ કાપોદ્રામાં લોહિયાળ હુમલા સુધી પહોંચી ગયો હતો. નવી બોડી નાખી આપવાની માગણીને લઈને થયેલા ઝઘડામાં ઉશ્કેરાયેલા શખ્સે સાગરિતો સાથે ગેરેજ પર ધસી જઈ 37 વર્ષીય યુવક પર છરા વડે જીવલેણ હુમલો કર્યો હતો. યુવકના હાથની આંગળીઓ અને પેટના ભાગે છરાના ઘા ઝીંકી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કાપોદ્રા પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપી અને એક બાળ કિશોરને ઝડપી પાડ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, 27 નવેમ્બર, 2026ના રોજ બપોરે આશરે 2 વાગ્યે કાપોદ્રામાં મમતા સર્કલથી મુરઘા કેન્દ્ર તરફ જતા માર્ગ પર આવેલી ભગવતી સોસાયટીના ગેટ પાસે પટેલ ગેરેજ બહાર આ બનાવ બન્યો હતો. રાજાબાબુ ઉર્ફે રાજા બૈઠાએ પોતાની માયસ્ટ્રો મોપેડ ફરિયાદીના ભાઈના ગેરેજમાં બોડી ફિટિંગ માટે આપી હતી. દરમિયાન મોપેડની બોડીમાં સ્ક્રેચ પડી જતાં તેણે નવી બોડી નાખી આપવાની માગણી કરી હતી અને આ બાબતે ધમકી આપી હતી.
ત્યારબાદ રાજાબાબુ ઉર્ફે રાજા પોતાના મિત્રો અને એક બાળ કિશોર સહિતના સાગરિતો સાથે ગેરેજ પર ધસી આવ્યો હતો. ત્યાં હાજર 37 વર્ષીય અમિતભાઈ સાથે ચારેય શખ્સોએ મારામારી શરૂ કરી હતી. આ દરમિયાન ચોકલેટી રંગનો શર્ટ અને જીન્સ પહેરેલા શખ્સે છરા વડે અમિતભાઈના ડાબા હાથની આંગળીઓ તથા પેટના જમણા ભાગે પેડુ પાસે ગંભીર ઘા ઝીંક્યા હતા. હુમલા બાદ તમામ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.હત્યાની કોશિશના આ બનાવમાં કાપોદ્રા પોલીસની સર્વેલન્સ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓ રાજાબાબુ ઉર્ફે રાજા મનોજ રજક (બૈઠા), ઉંમર 18 વર્ષ, તેજસ સંજયભાઈ ચાવડા, ઉંમર 19 વર્ષ અને કાર્તિક ઉર્ફે કરણ પરષોત્તમભાઈ ચૌહાણ, ઉંમર 27 વર્ષને ઝડપી પાડ્યા હતા. આ ઉપરાંત કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોરને પણ ડિટેઇન કરવામાં આવ્યો છે.
પોલીસ તપાસમાં મુખ્ય આરોપી રાજાબાબુ ઉર્ફે રાજા સામે કાપોદ્રા પોલીસ મથકમાં અગાઉ ચોરીના બે ગુના નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. જ્યારે કાર્તિક ઉર્ફે કરણ સામે અમરોલી, સરથાણા, કડોદરા GIDC અને કાપોદ્રા પોલીસ મથકમાં મારામારી, હથિયારબંધીના ભંગ અને ધમકી સહિતના ચાર જેટલા ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
આરોપીઓમાં કાયદાનો ધાક બેસાડવાના ભાગરૂપે કાપોદ્રા પોલીસે તેમને ઘટનાસ્થળે લઈ જઈ બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ દરમિયાન આરોપીઓને જાહેરમાં કાન પકડાવી ઉઠક-બેઠક કરાવવામાં આવી હતી અને માફી મંગાવવામાં આવી હતી. પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી
છે.