વડોદરામાં આકાશ ડેવલપર્સ નામની ભાગીદારી પેઢીના ભાગીદારોની જાણ બહાર મહિલા સહિત બે ઠગે બોગસ ઓથોરિટી લેટર અને દસ્તાવેજો બનાવી આકાશ સ્કાય બંગ્લોના પાંચ ફ્લેટ વેચી દેવામાં આવ્યા હતા. આરોપીઓએ ફ્લેટ વેચાણના રૂ.4.46 કરોડથી વધુની રકમ બેન્ક ખાતામાં જમા કરાવી અંગત ઉપયોગમાં લઈ ચાઉ કરી હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવતા સયાજીગંજ પોલીસે મહિલા સહિત બે લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી કસ્તુરબા નગર સોસાયટીમાં રહેતા પ્રેમચંદભાઈ શામજીભાઈ પટેલે નોંધાવેલી
ફરિયાદ મુજબ, તા.27 ફેબ્રુઆરી 2024થી 26 જૂન 2024 દરમિયાન આરોપીઓ સમીર હરિશ ચૌહાણ અને દિવ્યા યોગેશકુમાર મકવાણા આકાશ ડેવલપર્સના ભાગીદાર ન હોવા છતાં આકાશ સ્કાય બંગ્લો બિલ્ડિંગના પાંચ ફ્લેટ અલગ-અલગ વ્યક્તિઓને વેચી દીધા હતા. આ માટે પ્રેમચંદભાઈ અને પેઢીના અન્ય ભાગીદારોની જાણ બહાર બોગસ ઓથોરિટી લેટર સહિતના બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હતા. આ દસ્તાવેજોનો અસલી તરીકે સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઉપયોગ કરી ફ્લેટના વેચાણ દસ્તાવેજોની નોંધણી પણ કરાવી હતી.
આ ઉપરાંત બનાવટી દસ્તાવેજોના આધારે દિવ્યા મકવાણાના નામે આકાશ ડેવલપર્સના પ્રોપરાઇટર તરીકે બોમ્બે મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેન્કમાં પેઢીના નામે ખાતું ખોલાવવામાં આવ્યું હતું. આ ખાતામાં પાંચ ફ્લેટના વેચાણ પેટે રૂ.4.46 કરોડ જમા કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આ રકમ બેંકમાંથી ઉપાડીને અંગત કામમાં વાપરી નાખી પેઢીને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતુ. આ મામલે સયાજીગંજ પોલીસે સમીર હરિશ ચૌહાણ અને દિવ્યા યોગેશકુમાર મકવાણા વિરુદ્ધ ગુનો નોંધીને તેમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.