સુરત: સરથાણાના સીમાડા ગામ પાસેની આશાદીપ સ્કૂલ પાર્કિંગમાં બસ કંડક્ટરની હત્યા કેસમાં આરોપી બસ ડ્રાઈવર સુહિલ ઉર્ફે સુશીલ સુબેદાર સીંગને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા અને દંડ ફટકાર્યો હતો. ઘણા પંચ સાહેદો ફરી ગયા હોવા છતાં સાંયોગિક પુરાવા, તબીબી પુરાવા અને ફરિયાદ પક્ષે સરકારી વકીલ ભરતસિંહ ચાવડાની રજુઆતને આધારે કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો હતો. આ કેસની વિગત એવી હતી કે તા. ૧૫/૦૧/૨૦૨૩ ના રોજ આશાદીપ વિદ્યાલય (સીમાડા નાકા)ની સ્કૂલ બસના કંડક્ટર કલ્પેશકુમાર રમેશચંદ્ર ઉપાધ્યાય (ઉં.વ. ૩૫) લોહીલુહાણ હાલતમાં એઈમ્સ હોસ્પિટલના દરવાજા પાસે મળી આવ્યા હતા. ફરિયાદ પક્ષના આક્ષેપ અનુસાર સ્કુલનાં બસ પાર્કિંગની પતરાવાળી રૂમમાં રહેતા બસ ડ્રાઈવર આરોપી સુહિલસીંગ સુબેદારસીંગ સાથે દરવાજો ખોલવા બાબતે બોલાચાલી બાદ મારામારી થઈ હતી.
આરોપીએ મૃતક પર લોખંડના સળિયાથી હુમલો કરી ૧૫ જેટલી ગંભીર ઈજાઓ પહોંચાડી લોહીલુહાણ હાલતમાં એઈમસ હોસ્પિટલના દરવાજા પાસે મૂકી નાસી ગયો હતો. સારવાર દરમિયાન કલ્પેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. સરથાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ કેસની ન્યાયિક કાર્યવાહી સેશન્સ કોર્ટમાં ચાલી હતી. સુનાવણી પૂર્ણ થયાં બાદ સેશન્સ કોર્ટે સાંયોગિક પુરાવાના કેસમાં ગુના પાછળનો ચોક્કસ હેતુ ફરિયાદ પક્ષ સંપૂર્ણપણે સાબિત કરી શક્યો ન હોવા છતાં, સુપ્રીમ કોર્ટના પ્રસ્થાપિત સિદ્ધાંતો મુજબ માત્ર હેતુના અભાવથી જ આરોપીને દોષમુક્ત માની શકાય નહીં તેમ નોંધી આરોપી સુહિલ ઉર્ફે સુશીલ સુબેદાર સીંગને આજીવન કેદની સજા ફટકારી હતી.