સાવલી: રવિ પાકની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે સાવલી તાલુકાના પોઈચા-રાણીયા ખાતે આવેલા જીટીએલના સરકારી ખાતર ડેપો પર ખાતર મેળવવા માટે ઓનલાઈન બુકિંગ કરાવ્યા બાદ પણ યુરિયા ખાતર નહીં મળતાં ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગતરોજ ઓનલાઈન બુકિંગ કરાવી આજે ખાતર લેવા પહોંચેલા ખેડૂતોને ડેપો બંધ હાલતમાં જોવા મળતાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ડેપો બંધ હોવાના કારણે 15થી વધુ ગામના ખેડૂતોને ધરમધક્કા ખાવાનો વારો આવ્યો હતો. રોષે ભરાયેલા ખેડૂતોએ ‘ખાતર આપો, ખાતર આપો’ના નારા લગાવી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો.
ખેડૂતો માટે રવિ પાકની ખેતીની મોસમ અત્યંત મહત્ત્વની છે. એક તરફ કેનાલો તૂટેલી હાલતમાં છે, બીજી તરફ અનિયમિત વીજળી, મોંઘા ખાતર-બિયારણ, ચાલુ વર્ષે ઓછો વરસાદ તેમજ નીલગાય અને ભૂંડના ત્રાસ જેવી અનેક સમસ્યાઓ વચ્ચે ખેડૂતો ખેતી કરીને વર્ષભરની આવક મેળવવા મથામણ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ખેતીના મહત્ત્વના સમયે ખાતર મેળવવા માટે પણ ધક્કા ખાવા પડતાં ખેડૂતોમાં નિરાશા અને આક્રોશ જોવા મળી રહ્યો છે. સમયસર ખાતર નહીં મળે તો ખેતીનાં કામમાં વિલંબ થવાની સાથે પાકને નુકસાન થવાની ભીતિ પણ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
ખેડૂત ગણપતસિંહ મહિડાએ જણાવ્યું હતું કે, તેમણે ઓનલાઈન બુકિંગ કરાવી નવ થેલી યુરિયા ખાતર મેળવવાનું હતું. તેમના સહિત 15 ગામના ખેડૂતો ખાતર લેવા ડેપો પર પહોંચ્યા ત્યારે ડેપો બંધ હતો. આ અંગે ટોલ ફ્રી નંબર અને ડેપો સંચાલકનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં પાંચ વર્ષ જૂના સંચાલકનો નંબર હોવાનું જાણવા મળ્યું હતું અને તેઓ નોકરી છોડી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા એક અઠવાડિયાથી ઓનલાઈન સિસ્ટમમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ બતાવવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં ડેપો બંધ છે. ખાતરનો જથ્થો બારોબાર વેચી દેવામાં આવતો હોવાની પણ શંકા તેમણે વ્યક્ત કરી હતી. ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યા બાદ 24 કલાકમાં ખાતરનો જથ્થો મેળવી શકાય તેવી વ્યવસ્થા હોવા છતાં ડેપો બંધ હોય તો ખેડૂતોએ ક્યાં જવું? સરકાર આ બાબતે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરે તેવી તેમણે માંગ કરી હતી.
આ સમગ્ર મામલે ખેતીવાડી વિસ્તરણ અધિકારી નરવતભાઈ ડામોરનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ બાબતે ખેતીવાડી અધિકારી મૌલિકભાઈને જાણ કરવામાં આવી છે. ડેપો સંચાલકના ડિવાઇસમાં અંગૂઠાની ઓળખ આવતી ન હોવાથી ટેકનિકલ સમસ્યા ઊભી થઈ છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા સંચાલક કચેરીએ ગયા છે. બપોર બાદ મશીન કાર્યરત થઈ જાય તો ખાતરનું વિતરણ પણ શરૂ કરવામાં આવશે. ખેડૂતો તરફથી તેમને પણ રજૂઆત મળી હતી અને ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે સંબંધિત અધિકારીને જાણ કરી દેવામાં આવી છે.
જોકે, ખેતીની સિઝનમાં ખાતર જેવી પાયાની જરૂરિયાત માટે ખેડૂતોને કલાકો સુધી રઝળપાટ કરવો પડે તે સરકારી વ્યવસ્થાની કામગીરી સામે સવાલો ઊભા કરે છે. ઓનલાઈન બુકિંગ અને જથ્થો ઉપલબ્ધ હોવા છતાં ડેપો બંધ રહેવાની સ્થિતિમાં જવાબદારી કોની તેવો સવાલ ખેડૂતો ઉઠાવી રહ્યા છે. હવે તંત્ર દ્વારા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી ખેડૂતોને સમયસર ખાતર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.