વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે શનિવારે સ્થાયી સમિતિની બેઠક અધ્યક્ષ વર્ષાબેન વ્યાસના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં પાલિકાના વિવિધ વિભાગો દ્વારા રજૂ કરવામાં આવેલી કુલ આઠ દરખાસ્તો પર ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી, જેના અંતે પાંચ કામોને મંજૂરી આપવામાં આવી છે જ્યારે ત્રણ કામોને નામંજૂર કરવાનો નિર્ણય લેવાયો છે. બેઠક બાદ મંજૂર અને નામંજૂર થયેલા કામો અંગે સ્થાયી સમિતિના અધ્યક્ષ વર્ષાબેન વ્યાસે વિગતવાર માહિતી આપી હતી.
મંજૂર કરાયેલા કામોની વિગત આપતા અધ્યક્ષે જણાવ્યું હતું કે માંજલપુર વિધાનસભા ચૂંટણી દરમિયાન આચારસંહિતાના સમયગાળામાં સ્થાયી સમિતિની અપેક્ષાએ સોંપવામાં આવેલી વરસાદી ગટર સફાઈની કામગીરીને બેઠકમાં ઔપચારિક મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત વોર્ડ નંબર બે વિસ્તારમાં આવેલી પૂનમનગર પાણીની ટાંકી ખાતે ઇન્સ્ટ્રુમેન્ટ સાધન રાખવા માટે સ્ટોર રૂમ બનાવવાની દરખાસ્ત પણ મંજૂર કરાઈ છે. મિકેનિકલ વિભાગ દ્વારા દબાણ શાખાની કામગીરી માટે ચાર નંગ મિનિ બસ ખરીદવાની દરખાસ્તને ત્રીજા પ્રયત્ને મંજૂરી આપવામાં આવી છે. ડ્રાઈવર સાથે ૨૪ સીટની આ મિનિ બસો જી પોર્ટલ પરથી ખરીદવામાં આવશે. દબાણ શાખાની કામગીરી વખતે સ્ટાફ અને પોલીસની ટીમ સાથે હોય છે તેમજ પુષ્પાંજલિના કાર્યક્રમોમાં બેન્ડ લઈ જવા માટે હાલ માત્ર એક જ જૂની બસ ઉપલબ્ધ હોવાથી આ નવી ચાર મિનિ બસોની ખરીદીને મંજૂરી અપાઈ છે.
નગરજનોને પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે પાણીના ટેન્કર ભાડેથી મોકલવાના બે કરોડ રૂપિયાના ઈજારાને પણ મંજૂરી આપવામાં આવી છે, જેથી પાણી દૂષિત થાય અથવા પ્રેશર ઓછું આવે તેવી પરિસ્થિતિમાં ત્વરિત પાણી પહોંચાડી શકાય. સાથોસાથ સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા સ્વચ્છ ભારત મિશન હેઠળ ટેકનિકલ સપોર્ટ યુનિટ માટે સંબંધિત કંપનીને કામગીરી સોંપવાની દરખાસ્ત પણ મંજૂર કરવામાં આવી છે.
બીજી તરફ સ્થળ સ્થિતિ અને નાણાકીય બાબતોને ધ્યાનમાં રાખીને ત્રણ દરખાસ્તો નામંજૂર કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ઝોનની વરસાદી ગટરની કામગીરીમાં રકમ મર્યાદા વધારવાની દરખાસ્ત તેમજ પૂર્વ ઝોનમાં ગટર દુરસ્તીની કામગીરીમાં રકમ મર્યાદા વધારવાની માંગને નામંજૂર કરાઈ છે. આ ઉપરાંત પૂનમનગર પાણીની ટાંકી પાસે કમ્પાઉન્ડ વોલ બનાવવાની દરખાસ્ત પણ સ્થળ સ્થિતિની તપાસ બાદ નામંજૂર કરવાનો નિર્ણય સ્થાયી સમિતિ દ્વારા લેવામાં આવ્યો છે.