તમિલનાડુના મદુરાઈ નજીક આવેલા તિરુપરંકુન્દ્રમ પહાડ પર કાર્તિકૈ દીપમનો દીવો 28 નવેમ્બરે દીપથૂન નામના પથ્થરના સ્તંભ પર પ્રગટાવવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના 27 નવેમ્બરના તાજા આદેશ બાદ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આ ધાર્મિક વિધિ સંપન્ન થઈ હતી. આ સ્થળ સિકંદર બાદુશા ઔલિયા દરગાહની નજીક આવેલું હોવાથી દીવો ક્યાં પ્રગટાવવો તે મુદ્દે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.
સુપ્રીમ કોર્ટની બેન્ચ (જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ વિપુલ પંચોલી) એ તમિલનાડુના મુખ્ય સચિવ, DGP અને મદુરાઈ કલેક્ટર સહિતના અધિકારીઓને કોર્ટની અવમાનનાની નોટિસ પણ ફટકારી હતી.
સુપ્રીમ કોર્ટની દેખરેખમાં ધાર્મિક વિધિ
સુપ્રીમ કોર્ટે 27 નવેમ્બરે અગાઉના આદેશના અમલમાં થયેલા વિલંબ અંગે સુનાવણી કર્યા બાદ મંદિરના ટ્રસ્ટી બોર્ડને સસ્પેન્ડ કર્યું હતું. સાથે જ મંદિરના વહીવટ અને દીપમ પ્રગટાવવાની પ્રક્રિયા સુનિશ્ચિત કરવા મદ્રાસ હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશો એસ. વૈદ્યનાથન અને વી. પાર્થિબનને જવાબદારી સોંપી હતી. પહાડ અને મંદિરની સુરક્ષા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ને સોંપવામાં આવી હતી.
પરંપરા અને કાનૂની વિવાદ વચ્ચે ઉજવણી
20 નવેમ્બરના વચગાળાના આદેશમાં સુપ્રીમ કોર્ટે દીપથૂન પર દીવો પ્રગટાવવાની મંજૂરી આપી હતી. જોકે, 24 નવેમ્બરે કાર્તિકૈ દીપમના દિવસે દીવો પરંપરાગત દીપમંડપમ ખાતે પ્રગટાવવામાં આવ્યો હતો અને દીપથૂન પર વિધિ થઈ નહોતી. ત્યારબાદ કોર્ટમાં અવમાનનાની અરજીઓ થઈ હતી. 28 નવેમ્બરે દીપથૂન પર દીવો પ્રગટાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. આ ઘટનાએ ધાર્મિક પરંપરા, જાહેર વ્યવસ્થા અને ન્યાયિક આદેશના અમલ અંગે ફરી ચર્ચા જગાવી છે. કોર્ટમાં સંબંધિત કાનૂની કાર્યવાહી હજી ચાલુ છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે પહાડ પર આવેલી સિકંદર બાદુશા દરગાહથી ઓછામાં ઓછા ૫૦ મીટરનું અંતર જાળવીને દીપમ પ્રગટાવવામાં આવે.