વ્યારા : રાજ્યનાઆરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ તાપી જિલ્લાના પ્રવાસના બીજા દિવસે સવારે વ્યારા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર મિત્રો સાથે ‘ચા પે ચર્ચા’ કાર્યક્રમ કર્યો હતો. જે દરમિયાન ફૂડ સેફ્ટી, આરોગ્ય અને સ્વચ્છતા અંગે વિશેષ ભાર આપતા મંત્રીએ પત્રકારોને લોકજાગૃતિના કાર્યમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. મંત્રીએ ફૂડ સેફ્ટી, આરોગ્ય અને સ્વચ્છતાના વિષયો પર વિશેષ ભાર મુકી પત્રકારોને સરકાર અને જનતા વચ્ચેની મહત્ત્વપૂર્ણ કડી ગણાવી જણાવ્યું કે, લોકજાગૃતિ કેળવવામાં તેમજ સરકારની વિવિધ સેવાઓ અને જનકલ્યાણકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં મીડિયાની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ દિશામાં પત્રકારો સક્રિય યોગદાન આપે તેવી અપીલ પણ કરી હતી તેમજ વ્યારા શહેરના વિકાસ અને અહીં ઉપલબ્ધ સુવિધાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન મંત્રીશ્રીએ પત્રકાર મિત્રો પાસેથી વિવિધ સમસ્યા-પ્રશ્નો પર ચર્ચા-વિચારણા કરી હતી.
ત્યારબાદ વ્યારામાં છેલ્લાં ઘણાં લાંબા સમયથી બાકી રહેલા બે મહત્વપૂર્ણ વિકાસકાર્યોની સ્થળ મુલાકાત લીધી. તેમણે કાકરાપાર બાયપાસ રોડ પરના રેલવે ઓવરબ્રિજ તેમજ રામકુવા પાણી પુરવઠા યોજનાના ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું.
મંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર વ્યારા વિધાનસભા વિસ્તારના વિકાસકાર્યોને ઝડપથી પૂર્ણ કરવા પ્રતિબદ્ધ છે. કાકરાપાર બાયપાસ બ્રિજ પૂર્ણ થતાં વ્યારા અને કાકરાપારના લોકોને રેલવે ફાટક પર રાહ જોવાની સમસ્યામાંથી કાયમી રાહત મળશે અને વાહનવ્યવહાર વધુ સરળ બનશે.
રામકુવામાં નિર્માણાધીન પીવાના પાણીના ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત દરમિયાન તેમણે ગ્રામજનો સાથે સંવાદ પણ કર્યો. ત્યારબાદ વ્યારા કલેક્ટર કચેરી ખાતે પડતર તથા પ્રગતિ હેઠળના વિવિધ વિકાસ પ્રકલ્પોની પ્રત્યક્ષ મુલાકાત લીધા બાદ જિલ્લા કલેક્ટર દેવ ચૌધરી સહિત જિલ્લાના ઉચ્ચ અને સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજી હતી.