મુંબઈ: સીમાંકનના મુદ્દે શરદ પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)એ સમર્થન જાહેર કરતાં મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વિવાદ ઊભો થયો છે. NCPના આ નિર્ણયથી મહારાષ્ટ્ર કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરી છે. બીજી તરફ, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેએ શરદ પવાર પર નિશાન સાધતાં ત્રણ વર્ષ જૂનું પોતાનું નિવેદન યાદ અપાવ્યું છે. તેમણે આ સમગ્ર રાજકીય ઘટનાક્રમને ‘પવારનું જંતર-મંતર’ ગણાવ્યું છે.
રાજ ઠાકરેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, તેમણે 2 જુલાઈ, 2023ના રોજ આ રાજકીય ઘટનાક્રમ અંગે સંકેત આપ્યો હતો. તે સમયે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો એક જૂથ અલગ થઈને ભાજપ સાથે ગયો હતો. ત્યારબાદના ત્રણ વર્ષ દરમિયાન NCPના બંને જૂથો એકબીજા સામે રાજકીય સંઘર્ષ કરતા હોય તેવું ચિત્ર ઊભું કરવામાં આવ્યું હતું.
રાજ ઠાકરેના જણાવ્યા અનુસાર, હવે તેમણે અગાઉ વ્યક્ત કરેલી આશંકા સાચી પડતી હોય તેમ બીજો જૂથ પણ સત્તા તરફ આગળ વધી રહ્યો છે. તેમણે પોતાના જૂના નિવેદનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આ સમગ્ર રાજકીય ઘટનાક્રમને તેમણે અગાઉ જ ‘પવારનું જંતર-મંતર’ ગણાવ્યું હતું, જેને બહુ ઓછા લોકો સમજી શકે છે. રાજ ઠાકરેની આ ટિપ્પણીને શરદ પવારની રાજકીય વ્યૂહરચના પરના કટાક્ષ તરીકે જોવામાં આવી રહી છે.
સીમાંકનને સમર્થન આપવાનો NCPનો નિર્ણય
સંસદના સત્ર પહેલાં શરદ પવારની આગેવાની હેઠળની NCP (શરદચંદ્ર પવાર)એ સીમાંકનને સમર્થન આપવાની જાહેરાત કરી છે. પાર્ટીના નેતા જિતેન્દ્ર આવ્હાડે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં શરદ પવાર સાથે મુલાકાત કર્યા બાદ આ અંગે માહિતી આપી હતી. આવ્હાડે જણાવ્યું હતું કે સીમાંકન બંધારણીય જોગવાઈઓ હેઠળ હાથ ધરવાની પ્રક્રિયા છે અને આજે નહીં તો કાલે તેનો અમલ કરવો જ પડશે. આ મુદ્દે સુપ્રિયા સુળે અને પાર્ટીના સાંસદોએ નિર્ણય લીધો હોવાનું જણાવતાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેમની પાર્ટી સીમાંકનને સમર્થન આપશે.
કોંગ્રેસે નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી
શરદ પવારની પાર્ટીએ સીમાંકનને સમર્થન આપતાં મહારાષ્ટ્ર કોંગ્રેસમાં નારાજગી જોવા મળી રહી છે. કોંગ્રેસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની અસંમતિ વ્યક્ત કરી છે અને શરદ પવારની પાર્ટીના નિર્ણય સામે સવાલો ઉઠાવ્યા છે. સીમાંકનના મુદ્દે વિપક્ષી પક્ષોમાં અગાઉથી જ મતભેદો જોવા મળી રહ્યા છે. હવે NCPના નિર્ણય બાદ આ મતભેદો મહારાષ્ટ્રના રાજકારણમાં પણ ખુલ્લેઆમ સામે આવ્યા છે.