નવી દિલ્હી: દેશમાં લોકસભાની બેઠકોની સંખ્યા વધારવા માટે પ્રસ્તાવિત સીમાંકન બિલને લઈને રાજકીય ચર્ચા તેજ બની છે. આ દરમિયાન કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) અર્જુન રામ મેઘવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર સીમાંકન બાદનો સંભવિત સંસદીય નકશો રજૂ કર્યો છે. તેમના દ્વારા રજૂ કરાયેલા નકશા અનુસાર, સીમાંકન બાદ લોકસભાની વર્તમાન 543 બેઠકો વધીને 816 થઈ શકે છે. મંત્રી દ્વારા રજૂ કરાયેલી વિગતો મુજબ, દેશનાં 28 રાજ્યોમાં લોકસભાની કુલ 789 બેઠકો હશે, જ્યારે 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાં મળીને 27 બેઠકો ફાળવવાનો પ્રસ્તાવ છે. જોકે, આ વિગતો પ્રસ્તાવિત સીમાંકનના આધારે રજૂ કરવામાં આવી છે.
ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 120 બેઠકોનો પ્રસ્તાવ
સીમાંકન બાદ પણ ઉત્તર પ્રદેશ સૌથી વધુ લોકસભા બેઠકો ધરાવતું રાજ્ય રહેશે. અહીં વર્તમાન 80 બેઠકો વધારીને 120 કરવાનો પ્રસ્તાવ છે. મહારાષ્ટ્રમાં 48થી વધીને 72, પશ્ચિમ બંગાળમાં 42થી વધીને 63 અને બિહારમાં 40થી વધીને 60 બેઠકો થઈ શકે છે.
ગુજરાતમાં પણ લોકસભાની બેઠકોની સંખ્યા 26થી વધારીને 39 કરવાનો પ્રસ્તાવ છે. જ્યારે મધ્યપ્રદેશમાં 29થી વધીને 43, કર્ણાટકમાં 28થી વધીને 42 અને રાજસ્થાનમાં 25થી વધીને 38 બેઠકો થઈ શકે છે. તમિલનાડુમાં 39થી વધીને 59, આંધ્રપ્રદેશમાં 25થી વધીને 38, ઓડિશામાં 21થી વધીને 31 અને કેરળમાં 20થી વધીને 30 બેઠકો થવાનો પ્રસ્તાવ છે.

આ ઉપરાંત તેલંગાણામાં 17થી વધીને 26, આસામ અને ઝારખંડમાં 14થી વધીને 21, પંજાબમાં 13થી વધીને 20, છત્તીસગઢમાં 11થી વધીને 16 અને હરિયાણામાં 10થી વધીને 15 બેઠકો થઈ શકે છે. ઉત્તરાખંડમાં પાંચથી વધીને આઠ, હિમાચલ પ્રદેશમાં ચારથી વધીને છ બેઠકો થવાનો પ્રસ્તાવ છે. જ્યારે અરુણાચલ પ્રદેશ, ગોવા, મણિપુર, મેઘાલય અને ત્રિપુરામાં બેમાંથી વધીને ત્રણ બેઠકો થઈ શકે છે. મિઝોરમ, નાગાલેન્ડ અને સિક્કિમમાં એકથી વધીને બે બેઠકો કરવાનો પ્રસ્તાવ છે.
કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ બેઠકો વધશે
સીમાંકનના પ્રસ્તાવિત નકશા અનુસાર, કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ લોકસભાની બેઠકોમાં ફેરફાર થશે. દિલ્હીમાં વર્તમાન સાત બેઠકો વધારીને 11 કરવાનો પ્રસ્તાવ છે. જમ્મુ-કાશ્મીરમાં પાંચથી વધીને સાત અને ચંડીગઢમાં એકથી વધીને બે બેઠકો થઈ શકે છે.
જ્યારે દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવમાં બે બેઠકો યથાવત્ રહેશે. આંદામાન અને નિકોબાર ટાપુસમૂહ, લદ્દાખ અને લક્ષદ્વીપમાં એક-એક બેઠક જાળવી રાખવાનો પ્રસ્તાવ છે. પુડુચેરીમાં પણ એકથી વધારીને બે બેઠકો થઈ શકે છે.
સીમાંકન બાદ લોકસભાની બેઠકોની સંખ્યા અને રાજ્યોનું સંસદીય પ્રતિનિધિત્વ બદલાવાના પ્રસ્તાવને પગલે રાજકીય ચર્ચા વેગવંતી બની છે. ખાસ કરીને દક્ષિણનાં રાજ્યોમાં સંસદમાં તેમના પ્રતિનિધિત્વને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ, કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા સંભવિત નકશાને પગલે આગામી સમયમાં આ મુદ્દે રાજકીય ચર્ચા વધુ તેજ બને તેવી શક્યતા છે.