પંચમહાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તા.૦૬/૧૧/૨૦૨૬ના રોજ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જે અંતર્ગત તા. ૨૩/૧૧/૨૦૨૬ બાદ પાવાગઢ ડુંગર પર ૨ લિટરથી ઓછી ક્ષમતાવાળી પાણીની બોટલો,૧ લિટરથી ઓછી ક્ષમતાવાળી સોફ્ટ ડ્રિંક્સની બોટલો તેમજ પાન-મસાલાના પાઉચ અને વેફર સહિતના સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ જાહેરનામાના અમલના ભાગરૂપે શુક્રવારે મહેસુલ વિભાગ, તાલુકા પંચાયત, પોલીસ, ફોરેસ્ટ અને પાણી પુરવઠા વિભાગની સંયુક્ત ટીમોએ રોપ-વે અપર સ્ટેશનથી લઈને શક્તિ દ્વાર સુધીની અસંખ્ય દુકાનોમાં તપાસ હાથ ધરી હતી. આ સઘન તપાસ દરમિયાન દુકાનોમાંથી કુલ ૧૨,૦૦૦ નંગ પાણીની બોટલો અને ૮૦૦ નંગ સોફ્ટ ડ્રિંક્સની બોટલો મળી આવી હતી. તંત્ર દ્વારા આ તમામ જથ્થો સીઝ કરી હાલ ડુંગર પર જ સુરક્ષિત રાખવામાં આવ્યો છે. તંત્રની આ કડક કાર્યવાહીથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.