ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચેના સદીઓ જૂના સાંસ્કૃતિક, ભાષાકીય અને આધ્યાત્મિક સંબંધોને ઉજાગર કરતો 'કાશી-તમિલ સંગમમ' આજે, 28 નવેમ્બરથી તેની પાંચમી આવૃત્તિ સાથે શરૂ થઈ રહ્યો છે. વારાણસીમાં 12 ડિસેમ્બર સુધી ચાલનારા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ભારતના ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન કરવાના છે. આ આવૃત્તિમાં તમિલનાડુના આશરે 1,400થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે. તેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંશોધકો, કારીગરો, આધ્યાત્મિક આગેવાનો અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોનો સમાવેશ થાય છે.
તિરુક્કુરલના જ્ઞાનને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ
આ વખતની આવૃત્તિની થીમ 'તિરુક્કુરલ પયિલવોમ – તિરુક્કુરલ અભ્યાસ કરેં' રાખવામાં આવી છે, જેનો અર્થ છે 'ચાલો, તિરુક્કુરલનો અભ્યાસ કરીએ'. તમિલ સાહિત્યનો આ પ્રાચીન ગ્રંથ તિરુવલ્લુવરે રચ્યો હોવાનું માનવામાં આવે છે. તેમાં કુલ 1,330 દ્વિપદીઓ છે, જે ધર્મ અને સદાચાર, સંપત્તિ તથા પ્રેમ જેવા જીવનના વિવિધ પાસાં પર માર્ગદર્શન આપે છે. આ ગ્રંથના નૈતિક વિચારોને દેશભરના યુવાનો અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે.
વારાણસી ઉપરાંત પ્રયાગરાજ અને અયોધ્યાની મુલાકાત
આ કાર્યક્રમમાં પ્રતિનિધિઓ વારાણસી ઉપરાંત પ્રયાગરાજ અને અયોધ્યાની મુલાકાત લેશે. શૈક્ષણિક ચર્ચાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રદર્શનો અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તમિલનાડુના 50 શિક્ષકો ઉત્તર પ્રદેશની શાળાઓ અને કોલેજોમાં તિરુક્કુરલના વિચારોનો પરિચય કરાવશે. દેશની 1,000 ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને જોડીને વિદ્યાર્થીઓ માટે વિશેષ અભ્યાસ અને સંવાદ કાર્યક્રમ પણ યોજાશે. તેમજ ૧,૦૦૦ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાંથી પસંદ થયેલા વિદ્યાર્થીઓને એક મહિનાના અભ્યાસ અને સંશોધન માટે ₹૧૦,૦૦૦ નું સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે, તથા ૧૨ ડિસેમ્બરે સમાપન સમારોહમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ હાજર રહેશે.
શિક્ષણ મંત્રાલય દ્વારા IIT મદ્રાસ, બનારસ હિંદુ યુનિવર્સિટી અને સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્લાસિકલ તમિલ સહિતની સંસ્થાઓના સહયોગથી આ આયોજન કરવામાં આવ્યું છે. કાશી અને તમિલનાડુ વચ્ચેના ધાર્મિક સંબંધો, ખાસ કરીને કાશી અને રામેશ્વરમની યાત્રાની પરંપરા, આ સાંસ્કૃતિક જોડાણને વધુ ગાઢ બનાવે છે. આ સંગમમનો હેતુ ભાષાકીય વિવિધતાની વચ્ચે ભારતની સહિયારી સંસ્કૃતિને ઉજાગર કરવાનો છે.