સ્પેનના કેનેરી ટાપુઓ નજીક સમુદ્રમાં સ્થળાંતર કરનારાઓને લઈ જતી એક હોડી સાથે મોટી દુર્ઘટના સર્જાઈ છે. હોડીનું એન્જિન બગડી જતાં લગભગ 100 લોકો ત્રણ દિવસ સુધી સમુદ્રમાં ફસાયેલા રહ્યા હતા. આ દરમિયાન ખાવા-પીવાની સામગ્રી ખૂટી જતાં 15 લોકોનાં મોત થયા હતા. છ લોકોની હાલત ગંભીર હોવાથી તેમને હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે બાકીના મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.





સ્પેનની દરિયાઈ બચાવ ટીમના જણાવ્યા મુજબ, હોડીમાં સવાર 84 લોકોને સુરક્ષિત રીતે કિનારે લાવવામાં આવ્યા હતા. તેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. બંદરે પહોંચ્યા બાદ સિવિલ ગાર્ડ, રેડ ક્રોસ અને સેનાની ઇમરજન્સી ટીમે બચાવાયેલા લોકોને તબીબી સહાય પૂરી પાડી હતી. કેટલાક લોકોને સ્ટ્રેચર પર કિનારે લાવવામાં આવ્યા હતા, જ્યારે ઠંડીથી બચાવવા માટે અન્ય લોકોને ખાસ ધાબળા આપવામાં આવ્યા હતા.
આ હોડીમાં પશ્ચિમ આફ્રિકન દેશ ગામ્બિયાના નાગરિકો સવાર હતા, જેઓ યુરોપ પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. હોડી ગામ્બિયાની રાજધાની બાન્જુલથી સ્પેનના કેનેરી ટાપુઓ તરફ રવાના થઈ હતી. સામાન્ય રીતે આ દરિયાઈ મુસાફરીમાં નવથી દસ દિવસનો સમય લાગે છે. જોકે, રસ્તામાં હોડીનું એન્જિન બગડી જતાં તે લગભગ ત્રણ દિવસ સુધી સમુદ્રમાં ભટકતી રહી હતી.
આ સમય દરમિયાન હોડીમાં પીવાનું પાણી અને ખોરાક ખૂટી ગયાં હતાં. તરસ છીપાવવા માટે કેટલાક લોકોએ સમુદ્રનું ખારું પાણી પીધું હતું. લાંબા સમય સુધી ભૂખ્યા અને તરસ્યા રહેવાને કારણે મુસાફરોની તબિયત લથડી હતી. બચાવ ટીમને ઘણા લોકો અત્યંત નબળી હાલતમાં મળ્યા હતા. કેટલાક લોકો ડિહાઇડ્રેશન એટલે કે શરીરમાં પાણીની અછત અને ઠંડીથી પીડાઈ રહ્યા હતા.
દરમિયાન, સ્પેનના કેનેરી ટાપુઓ પર પહોંચતા સ્થળાંતર કરનારાઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. સ્પેનના ગૃહ મંત્રાલયના આંકડા મુજબ, 1 જાન્યુઆરીથી 15 નવેમ્બર દરમિયાન 24,364 સ્થળાંતર કરનારાઓ કેનેરી ટાપુઓ પર પહોંચ્યા હતા. અગાઉના વર્ષના સમાન સમયગાળામાં આ સંખ્યા 14,690 હતી. આમ, એક વર્ષમાં સ્થળાંતર કરનારાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. 25 નવેમ્બરના રોજ એક જ દિવસમાં આશરે 2,100 સ્થળાંતર કરનારાઓ કેનેરી ટાપુઓ પર પહોંચ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કેનેરી ટાપુઓના પ્રાદેશિક નેતા ફર્નાન્ડો ક્લાવિજોએ સ્પેનની રાજધાની મેડ્રિડ અને યુરોપિયન કમિશન પાસે તાત્કાલિક મદદ માગી છે. તેમણે યુરોપિયન યુનિયનની સરહદ સુરક્ષા એજન્સી ફ્રોન્ટેક્સ (Frontex)ને તૈનાત કરવાની પણ માગણી કરી છે. ક્લાવિજોએ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ ઘટનાથી લોકોમાં ભારે વ્યથા અને લાચારીની લાગણી ઊભી થઈ છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે સ્થળાંતરનું સંકટ માત્ર સ્પેનમાં શરૂ થતું નથી, પરંતુ તેની શરૂઆત આફ્રિકન દેશોના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી થાય છે. તેથી લોકો જોખમી દરિયાઈ મુસાફરી કરીને યુરોપ પહોંચવાનો પ્રયાસ ન કરે તે માટે આફ્રિકન દેશોના દરિયાકાંઠે જ જરૂરી પગલાં લેવા જોઈએ.