પેકેજ્ડ પીવાના પાણીની ગુણવત્તા અંગે ફરી સવાલો ઊભા થયા છે. પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં બિસ્લેરીના પાણીના નમૂનામાં કોલિફોર્મ (Coliform) બેક્ટેરિયા મળી આવ્યા છે. આ મામલે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)એ કંપની સામે કાનૂની કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે. પ્રાથમિક અને રેફરલ એમ બંને પ્રયોગશાળાઓમાં બેક્ટેરિયાની હાજરીની પુષ્ટિ થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કોલિફોર્મ બેક્ટેરિયા સામાન્ય રીતે ગંદા પાણી, ગટર અથવા દૂષિત પાઇપલાઇન મારફતે પીવાના પાણીમાં પ્રવેશી શકે છે. પાણીના નમૂનામાં આવા બેક્ટેરિયા મળવા એ તેની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ચિંતાનો વિષય છે. FSSAIએ બિસ્લેરીના જલપાઈગુડી સ્થિત પ્લાન્ટમાંથી બેચ નંબર ‘PB 201’નો નમૂનો તપાસ માટે લીધો હતો. આ બેચનું ઉત્પાદન 20 જુલાઈ, 2026ના રોજ કરવામાં આવ્યું હતું અને તેની એક્સપાયરી ડેટ 19 જાન્યુઆરી, 2027 હતી. બંને પ્રયોગશાળાઓમાં બેક્ટેરિયાની હાજરીની પુષ્ટિ થયા બાદ 12 ઓગસ્ટ, 2026ના રોજ આ બેચના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે, આ પ્રતિબંધ માત્ર બેચ નંબર PB 201 પૂરતો જ લાગુ કરવામાં આવ્યો હતો.
બિસ્લેરીના પાણીની ગુણવત્તા અંગે અગાઉ પણ સવાલો ઊભા થયા હતા. ગોવામાં કંપનીના પ્લાન્ટમાંથી લેવામાં આવેલા પાણીના નમૂનામાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ પ્રમાણમાં બ્રોમેટ (Bromate) મળી આવ્યું હતું. કંપનીની અપીલ બાદ આ નમૂનાને ફરી તપાસ માટે રેફરલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. ત્યાં તપાસ દરમિયાન પોલીસાયક્લિક એરોમેટિક હાઇડ્રોકાર્બન (PAHs)ની હાજરી પણ નોંધાઈ હતી. આ રસાયણોમાંના કેટલાકને આંતરરાષ્ટ્રીય સ્તરે કેન્સરના જોખમ સાથે સંકળાયેલા પદાર્થો તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે.
દરમિયાન, FSSAI દ્વારા દેશભરમાં પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર અને મિનરલ વોટરના નમૂનાઓ એકત્ર કરીને તપાસ કરવામાં આવી રહી છે. FSSAIના સીઈઓ રજિત પુન્હાનીએ જણાવ્યું હતું કે આ પરીક્ષણ પ્રક્રિયા આગામી એકથી બે મહિનામાં પૂર્ણ થવાની અપેક્ષા છે. તેમનો હેતુ કંપનીઓ નિયમોનું પાલન કરે છે કે નહીં તેની ખાતરી કરવાનો છે, લોકોમાં ભય ફેલાવવાનો નથી. FSSAIએ તમામ રાજ્યોના ફૂડ સેફ્ટી અધિકારીઓને પેકેજ્ડ પીવાના પાણી અને મિનરલ વોટરના ઉત્પાદન એકમોનું નિરીક્ષણ સઘન બનાવવા સૂચના આપી છે. નિયમોનું ઉલ્લંઘન કરતી કંપનીઓ સામે જરૂરી કાર્યવાહી કરવા પણ જણાવાયું છે. બીજી તરફ, બિસ્લેરીએ જણાવ્યું છે કે તે તપાસમાં સંપૂર્ણ સહકાર આપશે અને તેનું પાણી પીવા માટે સુરક્ષિત છે. કંપનીના જણાવ્યા મુજબ, શુદ્ધિકરણની પ્રક્રિયા દરમિયાન પાણીને 10 તબક્કામાંથી પસાર કરવામાં આવે છે અને તેની ગુણવત્તાની 90થી વધુ વખત ચકાસણી કરવામાં આવે છે. કંપનીએ પાણીની સુરક્ષાને પોતાની સર્વોચ્ચ પ્રાથમિકતા ગણાવી છે.