મદુરાઈની થિરુપરંકુંદ્રમ ટેકરી પર કાર્તિગાઈ દીપમ પ્રગટાવવાના મુદ્દે વિવાદ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન મુરુગનને યાદ કરતી સોશિયલ મીડિયા પોસ્ટ કરી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા વિવાદિત ‘દીપથૂન’ સ્તંભ પર દીવો પ્રગટાવવાનો આદેશ આપવામાં આવ્યાના થોડા કલાકોમાં જ વડાપ્રધાનની આ પોસ્ટ સામે આવી છે. જોકે, તેમણે પોતાની પોસ્ટમાં કોર્ટના આદેશ કે ચાલી રહેલા વિવાદનો સીધો ઉલ્લેખ કર્યો નથી.
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તમિલ, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં પોસ્ટ કરી હતી. તેમાં તેમણે તમિલ ભક્તિ નારો ‘વેટ્રીવેલ મુરુગનુક્કુ અરોહરા!’ લખ્યો હતો. અંગ્રેજીમાં પણ ‘Vetrivel Muruganukku Arogara!’ લખીને ભગવાન મુરુગન પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. આ પોસ્ટ એવા સમયે કરવામાં આવી છે, જ્યારે થિરુપરંકુંદ્રમ ટેકરી પર કાર્તિગાઈ દીપમ પ્રગટાવવાના મુદ્દે કાનૂની અને વહીવટી વિવાદ ચાલી રહ્યો છે.
બીજી તરફ, સુપ્રીમ કોર્ટે શુક્રવારે તમિલનાડુના વહીવટીતંત્ર સામે કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક સહિત કુલ 15 લોકોને કોર્ટની અવમાનના બદલ નોટિસ ફટકારી છે. આ ઉપરાંત અરુલ્મિગુ સુબ્રમણ્યસ્વામી મંદિરના ટ્રસ્ટી બોર્ડની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરીને તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. મંદિરના વહીવટની દેખરેખ માટે મદ્રાસ હાઈકોર્ટના બે નિવૃત્ત ન્યાયાધીશોની નિમણૂક પણ કરવામાં આવી છે.
રાજ્ય પોલીસની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટે સમગ્ર ટેકરી, મંદિર અને ત્યાં આવેલી દરગાહની સુરક્ષાની જવાબદારી કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ને સોંપવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો ઉચીપિલ્લૈયાર મંડપમનો દીપ હજુ પ્રજ્વલિત હોય તો તેમાંથી જ્યોત લઈને દીપથૂન સ્તંભ પર દીવો પ્રગટાવવામાં આવે. શ્રદ્ધાળુઓને પણ શનિવારે ટેકરી પર દીપ પ્રગટાવવાની મંજૂરી આપવામાં આવી છે. સાથે જ દરગાહની આસપાસનો 50 મીટરનો વિસ્તાર ખાલી રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ નિયમ દીપથૂન સહિતના અન્ય સ્થળોએ પણ લાગુ પડશે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે આ ધાર્મિક વિવાદમાં આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે.