નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે તસ્કરોએ એક ગેરેજની કેબિનને નિશાન બનાવી રૂ.૧૦,૯૦૦ની કિંમતનાં વાહનોના સ્પેરપાર્ટ્સ અને સોલર બેટરીની ચોરી કરતા મામલો રાજપીપળા પોલીસ મથકે પહોંચ્યો હતો.
રાજપીપળાના નવા ફળિયા પાસે રહેતા ૨૬ વર્ષીય ધર્મેશ ઉર્ફે ધમો ઉક્કડભાઈ દેવીપૂજક શીતળામાતાના મંદિર સામે કેબિન રાખી ગેરેજ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા.૨૬ નવેમ્બરના રોજ રાત્રે આશરે નવ વાગ્યે તેઓ પોતાની કેબિનને તાળું મારી ઘરે ગયા હતા. બીજા દિવસે તા.૨૭ નવેમ્બરના રોજ સવારે સાડા નવ વાગ્યે જ્યારે તેઓ કેબિને પરત ફર્યા, ત્યારે એક તાળું તૂટેલી અને ખુલ્લી હાલતમાં જોવા મળ્યું હતું.
કેબિનમાં તપાસ કરતાં રિપેરિંગ માટે આવેલાં વાહનોનો સામાન ગાયબ હતો. અજાણ્યા તસ્કરો કેબિનમાંથી ટી.વી.એસ. એક્સલ ૧૦૦ના એન્જિનના વિવિધ ભાગો જેવા કે ક્રેન્ક, એન્જિન ફાડિયા, ફ્લાયવ્હીલ ચક્કર, કાર્બ્યુરેટર, ક્લચ કટોરી, બ્લોક કિટ, હેડ, કોઇલ, પરચૂરણ ભંગાર તેમજ એક સોલાર બેટરી મળી કુલ ૧૫ નંગ વસ્તુઓ (કુલ કિં.રૂ.૧૦,૯૦૦) ચોરી ગયા હતા. આ ઘટના અંગે ધર્મેશભાઈએ રાજપીપળા પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પી.એસ.આઈ. સંદીપદાન ગઢવી વધુ તપાસ કરી રહ્યા છે.