ગુજરાત અર્બન કો-ઓપરેટિવ બેંક ફેડરેશનની નિયામક મંડળની 21 બેઠકો માટે આગામી 10 ડિસેમ્બર, 2026ના રોજ ચૂંટણી યોજાશે. વર્ષ 2026-27થી 2030-31 સુધીની પાંચ વર્ષની મુદત માટે યોજાનારી આ ચૂંટણીમાં રાજ્યની અર્બન સહકારી બેંકોના પ્રતિનિધિઓમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સુરત જિલ્લાની બેઠકની સંખ્યાને લઈને સર્જાયેલા ગૂંચવાડાએ સહકારી બેંકિંગ ક્ષેત્રમાં ચર્ચા જગાવી છે.
સુરતની એક બેઠક માટે ચાર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જેમાં ધી વરાછા કો-ઓપરેટિવ બેંકના ચેરમેન નરેન્દ્રભાઈ મનજીભાઈ કુકડીયા, સુરત નેશનલ કો-ઓપરેટિવ બેંકના ગૌતમ ઉમિયાશંકર વ્યાસ, ધી બારડોલી નાગરિક સહકારી બેંકના દેવાંગ પ્રવિણચંદ્ર ચોકસી અને ધી પંચશીલ મર્કન્ટાઈલ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન મયુર શશીકાંત ચૌહાણનો સમાવેશ થાય છે.
આદિનાથ કો-ઓપરેટિવ બેંકનું મર્જર થતાં સુરતની સભાસદ નાગરિક સહકારી બેંકોની સંખ્યા 16થી ઘટીને 15 થઈ છે. પરિણામે ફેડરેશનમાં વર્ષોથી મળતી બે બેઠકો સામે હવે એક બેઠક જ રહેવાની સ્થિતિ ઊભી થઈ છે. ફેડરેશનના પેટા નિયમ 21અ(1) અને ચૂંટણી નિયમ 6 મુજબ 5થી 15 સભાસદ બેંકો ધરાવતા જિલ્લાને એક અને 15થી વધુ બેંકો ધરાવતા જિલ્લાને વધુમાં વધુ બે પ્રતિનિધિ મોકલવાનો અધિકાર છે.
ચૂંટણી અધિકારી પ્રદીપ વોરાએ 23 નવેમ્બર, 2026ના પરિપત્રમાં સ્પષ્ટતા કરી હતી કે પાના નંબર-3 પર ટાઇપોગ્રાફિકલ ભૂલને કારણે સુરતની બેઠક બે દર્શાવાઈ હતી. વાસ્તવમાં સુરત માટે એક બેઠક ગણવામાં આવશે અને ફેડરેશનની કુલ બેઠકો 22ને બદલે 21 રહેશે.
જોકે, ત્યારબાદ જાહેર થયેલી સુરતના ઉમેદવારોની યાદીમાં પણ બે બેઠકો સામે ચાર ઉમેદવારો દર્શાવાતાં અસમંજસ સર્જાયો છે. અગાઉની ટર્મમાં ગૌતમ વ્યાસ અને દેવાંગ ચોકસી બિનહરીફ ચૂંટાયા હતા. આ વખતે વરાછા અને પંચશીલ બેંકના ચેરમેનોએ ઉમેદવારી નોંધાવતાં ચૂંટણી રસપ્રદ બની છે.
ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 2 ડિસેમ્બર સાંજે પાંચ વાગ્યા સુધીની છે. 3 ડિસેમ્બરે અંતિમ યાદી જાહેર થશે. ભરૂચની પાંચ બેંકોની એક બેઠક તથા વલસાડ, જામનગર અને સુરેન્દ્રનગરના સંયુક્ત બ્લોકની એક બેઠક માટે પણ ચૂંટણી થશે. રાજ્યની 204 સહકારી બેંકો 10 ડિસેમ્બરે મતદાન કરશે અને 11 ડિસેમ્બરે મતગણતરી થશે. સુરતની બેઠક ખરેખર એક જ રહેશે તો શહેરનું ફેડરેશનમાં પ્રતિનિધિત્વ ઘટશે. પરંતુ ઉમેદવારોની યાદીમાં બે બેઠકો દર્શાવવાના કારણે ચૂંટણી પ્રક્રિયાની સ્પષ્ટતા અંગે સહકારી બેંકોમાં સવાલો ઊભા થયા છે.