નવસારી: શહેરની જર્જરિત ઇમારતોને નોટિસ ફટકારી સલામતીના પાઠ ભણાવતું નવસારી મહાનગરપાલિકા તંત્ર હવે પોતાની જ ઇમારતની સ્થિતિને લઈને સવાલોના ઘેરામાં છે. બીજાની ઇમારતોમાં જોખમ શોધવા નીકળેલા તંત્રની પાછળની બિલ્ડિંગનો સ્લેબ જ તૂટી પડતાં જાણે ‘દિવા તળે અંધારું’ કહેવતને જીવંત કરતી ઘટના બની છે.
આજે બપોરે આશરે ૩:૪૦ વાગ્યે નવસારી મહાનગરપાલિકાની કચેરીના પાછળના ભાગે આવેલી બિલ્ડિંગના સ્લેબનો મોટો ભાગ અચાનક ધરાશાયી થયો હતો. નીચે દુકાનો આવેલી છે અને શાકભાજી ખરીદવા સહિત વિવિધ કામે લોકોની અવરજવર રહેતી હોય છે. સદનસીબે સ્લેબનો ભાગ પડ્યો ત્યારે કોઈ તેની અડફેટે આવ્યું નહીં અને દુકાનદારો તથા ગ્રાહકોનો આબાદ બચાવ થયો. જાનહાનિ ટળી એ રાહતની બાબત છે, પરંતુ ઘટનાએ તંત્રની પોતાની મિલકતોની જાળવણી અંગે ગંભીર સવાલો જરૂર ઊભા કર્યા છે.
ચોમાસા પૂર્વે અને ત્યારબાદ શહેરમાં જોખમી તથા જર્જરિત ઇમારતો સામે કાર્યવાહી હાથ ધરી મહાનગરપાલિકા અને ટાઉન પ્લાનિંગ વિભાગે આશરે ૧૮૨ ઇમારતોના માલિકોને નોટિસ પાઠવી હતી. તેમાંથી ૩૬ જેટલા મિલકતધારકોએ સ્વેચ્છાએ પોતાની ઇમારતો ઉતારી લીધી હતી, જ્યારે બાકી ૧૪૬ ઇમારતોનો જોખમનો મુદ્દો યથાવત હોવાનું સામે આવ્યું છે.
બીજાને જોખમની નોટિસ આપવાની સત્તા ધરાવતું તંત્ર પોતાની જ ઇમારતના જોખમ સામે કેટલું સજાગ હતું? આ પ્રશ્ન હવે માત્ર કટાક્ષનો નહીં, પરંતુ જાહેર સલામતી અને જવાબદારીનો બની ગયો છે.
નવું ભવન કરોડોના ખર્ચે બની રહ્યું છે, જૂની બિલ્ડિંગની સુરક્ષા ભગવાન ભરોસે?
દેવીના પાર્ક વિસ્તારમાં નવસારી મહાનગરપાલિકાનું કરોડોના ખર્ચે આધુનિક ભવન તૈયાર થઈ રહ્યું છે. હાલની કચેરી જૂની અને સાંકડી પડતી હોવાથી નવા ભવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ નવી કચેરી તૈયાર થાય ત્યાં સુધી જૂની બિલ્ડિંગમાં આવતા કર્મચારીઓ, મુલાકાતીઓ અને આસપાસના દુકાનદારોની સુરક્ષાનું શું?
સળગતા સવાલ
પોતાની જ બિલ્ડિંગના સ્લેબ તૂટતા શું કાર્યવાહી કરશે?
શું મનપાની પોતાની ઇમારતની સ્થિતિનું નિરીક્ષણ થયું હતું?
જો થયું હતું તો સમારકામ કેમ ન થયું?
અન્ય ઇમારતોની સલામતી તપાસતી વ્યવસ્થાની વિશ્વસનીયતા સામે સવાલ?