દાદરા અને નગર હવેલીના અથાલ સ્થિત એક ખાનગી કંપનીમાં ફરજ દરમિયાન અકસ્માતે મૃત્યુ પામેલા શ્રમિકના પરિવારને લાંબા કાનૂની સંઘર્ષ બાદ આખરે ન્યાય મળ્યો છે. ગુજરાત રાજ્ય કામદાર સેવા સંઘના પ્રમુખ આર. એમ. પ્રજાપતિની સફળ કાનૂની રજૂઆતોને પગલે મૃતક શ્રમિકની વિધવાને ₹18,34,538 (અઢાર લાખ ચોત્રીસ હજાર પાંચસો આડત્રીસ રૂપિયા) નો વળતરનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
ઘટનાની વિગત મુજબ, અથાલ ખાતે આવેલી યુનિકોન ફાઈબ્રો કેમિકલ્સ પ્રા. લિ. કંપનીમાં કામ કરતા શ્રમિક પ્રવીણભાઈ ગોનાર્યાનું ગત તા. 15/03/2023ના રોજ નોકરી દરમિયાન અકસ્માત થતાં અવસાન થયું હતું. પરિવારના મોભીના અવસાન બાદ તેમની પત્ની ભારતીબેન ગોનાર્યાએ કંપનીના માલિકો પાસે કાયદેસરના વળતરની માંગણી કરી હતી. જોકે, કંપની સંચાલકો તરફથી વળતર ચૂકવવાનો ઇનકાર કરી દેવામાં આવતા કપરી પરિસ્થિતિમાં મુકાયેલા પરિવારે ન્યાયની આશા સાથે ગુજરાત રાજ્ય કામદાર સેવા સંઘના પ્રમુખ આર. એમ. પ્રજાપતિનો સંપર્ક સાધ્યો હતો.
શ્રમિક પરિવારની રજૂઆત સાંભળી આર. એમ. પ્રજાપતિએ તેમને ન્યાય અપાવવાની જવાબદારી સ્વીકારી હતી અને સિલવાસાના વર્કમેન કોમ્પેન્સેશન કમિશનર સમક્ષ કાયદેસરની ફરિયાદ દાખલ કરી હતી. કેસની કાર્યવાહી દરમિયાન તેમણે શ્રમિક પરિવાર તરફથી મજબૂત દલીલો અને જરૂરી પુરાવાઓ રજૂ કર્યા હતા. તમામ રજૂઆતો અને પુરાવાઓને ધ્યાને લઈ વર્કમેન કોમ્પેન્સેશન કમિશનરે પ્રવીણભાઈ ગોનાર્યાના કાનૂની વારસદાર અને વિધવા ભારતીબેન ગોનાર્યાને કુલ ₹18,34,538/- વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો.
આ હુકમના અનુસંધાને આજે ભારતીબેન ગોનાર્યાને ₹18,34,538/-નો ચેક સુપરત કરવામાં આવ્યો હતો. લાંબા સંઘર્ષ બાદ મળેલા આ ન્યાયથી શ્રમિક પરિવારને મોટી આર્થિક રાહત મળી છે.