વડોદરા મહાનગરપાલિકાની પ્રતિબંધિત મિલકતમાં રવિવારની જાહેર રજાના દિવસે અનધિકૃત રીતે પ્રી-વેડિંગ ફોટોશૂટ અને રીલ બનાવવાનો મામલો સામે આવતા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ફરજમાં ગંભીર બેદરકારી દાખવવા બદલ વડોદરા કોર્પોરેશન તંત્રએ જવાબદાર પેન્થર સિક્યુરિટી એજન્સીને રૂપિયા ૫ લાખની દંડનીય નોટિસ ફટકારી છે, તેમજ ઘટના સમયે ફરજ પર હાજર રહેલા સિક્યુરિટી ગાર્ડને તાત્કાલિક અસરથી ફરજ પરથી હટાવી દેવામાં આવ્યો છે.
આ સમગ્ર ઘટના અંગે માહિતી આપતા વડોદરા કોર્પોરેશનના માર્કેટ સુપરિન્ટેન્ડન્ટ અને હાલના સિક્યુરિટી ઓફિસર ડૉ. વિજય પંચાલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કોર્પોરેશનની પ્રીમાઇસિસ તેમજ હેરિટેજ સ્ટ્રક્ચરમાં સામાન્ય સંજોગોમાં ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી માટે કોઈ પરવાનગી આપવામાં આવતી નથી. ચાલુ દિવસ હોય કે જાહેર રજા, પ્રતિબંધિત વિસ્તારોમાં કોઈપણ વ્યક્તિને પૂર્વ મંજૂરી વિના ફોટોશૂટ કરવાની છૂટ નથી. આ ઘટના બાદ હવેથી કોઈપણ પ્રકારના શૂટિંગ માટે તંત્રની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત બનાવવામાં આવી છે.
દરમિયાન, શૂટિંગ માટે કોઈ પૂર્વ કાઉન્સિલર દ્વારા ગેટ ખોલવામાં આવ્યો હોવાની શહેરમાં ચાલી રહેલી ચર્ચાઓ અંગે પૂછવામાં આવતા ડૉ. પંચાલે જણાવ્યું હતું કે હાલ તેમના સુધી આ અંગે કોઈ સત્તાવાર કે સ્પષ્ટ માહિતી આવી નથી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે પ્રતિબંધિત જગ્યાએ પ્રવેશ કરનાર વ્યક્તિની પ્રાથમિક જવાબદારી તો બને જ છે, પરંતુ આવા અનધિકૃત પ્રવેશને અટકાવવાની મુખ્ય જવાબદારી ફરજ પરના સિક્યુરિટી ગાર્ડની પણ છે. ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે તમામ સિક્યુરિટી કર્મચારીઓને કડક સૂચનાઓ આપવામાં આવશે.
આ ઉપરાંત, વડોદરા કોર્પોરેશનની મુખ્ય કચેરીના ગેટનો ઉપયોગ નજીકના શાકભાજી માર્કેટમાં આવતા વેપારીઓ અને સામાન્ય નાગરિકો દ્વારા અવરજવર માટે ન થાય તે બાબતને પણ ગંભીરતાથી લેવામાં આવી છે. મુખ્ય કચેરીની સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવા માટે આગામી દિવસોમાં સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવશે તેમ અધિકારીએ જણાવ્યું હતું.