ભોપાલ : મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ટુર્નામેન્ટમાં આજે શુક્રવારે અહીં દીપિકાના બે ગોલની મદદથી ભારતે મલેશિયાને 6-2થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. એશિયન ગેમ્સ ચેમ્પિયન ભારતે ફરી એકવાર શાનદાર પ્રદર્શન કર્યું, તેમના છમાંથી પાંચ ગોલ પેનલ્ટી કોર્નરથી કર્યા.આ પહેલા બીજી સેમિફાઇનલમાં ચીને જાપાનને 1-0થી હરાવ્યું હતું.
ભારત માટે, મુમતાઝ ખાને 10મી મિનિટે પેનલ્ટી કોર્નરને ગોલમાં રૂપાંતરિત કરીને ટીમને સરસાઇ અપાવી. નવનીત કૌરે 18મી મિનિટે ફિલ્ડ ગોલ કરીને સ્કોર 2-0 કરી દીધો. તે પછી દીપિકાએ 25મી મિનિટે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવીને ભારતની સરસાઇ 3-0 કરી, તેની બે મિનિટ પછી, નૂર અઝહરે પેનલ્ટી કોર્નરને ગોલમાં રૂપાંતરિત કરીને મલેશિયા માટે પહેલો ગોલ નોંધાવ્યો.
30મી મિનિટે દીપિકાએ બીજા પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને ભારતની સરસાઇને ફરી ત્રણ ગોલ સુધી વધારી દીધી, જેનાથી ટીમ હાફ ટાઇમ સુધી 4-1થી આગળ રહી હતી. 33 મિનિટે સુનેલિતા ટોપોએ પેનલ્ટી કોર્નરને ગોલમાં રૂપાંતરિત કરીને સરસાઇ 5-1 કરી દીધી. મલેશિયાની નુરમિરા ઝુલ્કિફ્લીએ 52મી મિનિટે ફિલ્ડ ગોલ કર્યો હતો પરંતુ ઈશિકાએ 57મી મિનિટે પેનલ્ટી કોર્નરને ગોલમાં રૂપાંતરિત કરીને ભારતનો 6-2થી વિજય સુનિશ્ચિત કર્યો હતો.