સુરત:સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ એવા પેટ્રોકેમિકલ રોમટિરિયલના આંતરરાષ્ટ્રીય બજારમાં ફરી અનિશ્ચિતતા ઊભી થઈ છે. છેલ્લા ત્રણ સપ્તાહથી ઘટાડાના માર્ગે રહેલું ક્રૂડ ઓઇલ શુક્રવારે ફરી ઉછળતાં પોલિએસ્ટર, નાયલોન અને અન્ય સિન્થેટિક યાર્નના ઉત્પાદન ખર્ચમાં વધારો થવાની આશંકા સર્જાઈ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 96થી 97 ડોલરની આસપાસ પહોંચ્યો છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં ઓઇલ ટેન્કરો પર હુમલા તથા યમનના હુથી બળવાખોરો દ્વારા સાઉદી અરેબિયાના ઊર્જા માળખાં પર હુમલાના કારણે વૈશ્વિક ઓઇલ સપ્લાય ખોરવાવાની ચિંતા વધી છે.
ક્રૂડના ભાવમાં વધારાની સીધી અસર પોલિએસ્ટર ચેઇન પર પડી શકે છે. PTA, MEG અને પોલિએસ્ટર મેલ્ટ તેના મુખ્ય રોમટિરિયલ છે. નોંધનીય છે કે 21 નવેમ્બરના રોજ RIL દ્વારા PTAના ભાવ ઘટાડીને રૂ.93.90 પ્રતિ કિલો અને પોલિએસ્ટર મેલ્ટના ભાવ રૂ.104.89 પ્રતિ કિલો કરવામાં આવ્યા હતા, જ્યારે MEG રૂ.71 પ્રતિ કિલો યથાવત્ રહ્યો હતો.
નાયલોન યાર્ન માટેના પેટ્રોકેમિકલ ઇનપુટ્સ તથા વિસ્કોસના ઉત્પાદનમાં વપરાતા રસાયણો અને ઊર્જાના ખર્ચમાં પણ વૈશ્વિક બજારની અસ્થિરતાની અસર થઈ શકે છે.
સુરતના વીવિંગ, નીટિંગ અને ટેક્સચરાઇઝિંગ એકમો માટે રોમટિરિયલના ભાવમાં અચાનક ફેરફાર મોટો પડકાર બની શકે છે. યાર્નના ભાવ વધે તો ગ્રે કાપડના ઉત્પાદન ખર્ચમાં વધારો થશે, પરંતુ બજારમાં મંદ માંગને કારણે તેનો બોજ ગ્રાહકો પર નાખવો મુશ્કેલ બનશે. હવે આગામી દિવસોમાં ક્રૂડની ચાલ અને પેટ્રોકેમિકલ કંપનીઓના નવા ભાવની જાહેરાત સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગની દિશા નક્કી કરશે.