સુરત : સુરતના એમ્બ્રોઇડરી ઉદ્યોગમાં ધાગા અને જરીના ભાવ ઘટાડવાની માંગ ઉઠી છે. કાચા માલના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં તૈયાર ધાગા અને જરીના ભાવમાં પ્રમાણસર ઘટાડો કરવામાં આવતો ન હોવાની રજૂઆત સાથે ટેક્સટાઇલ એમ્બ્રોઇડરી જોબવર્ક એસોસિએશન ઓફ સુરત (TEJAS) દ્વારા SEJTA ( સિક્યોર એમ્બ્રોઈડરી થ્રેડ એન્ડ જરી એસોસિએશન) તથા તમામ ધાગા-જરીના ડીલર્સને પત્ર લખવામાં આવ્યો છે.
એસોસિએશનના પ્રમુખ હિતેશ કે. ભીખડિયાએ જણાવ્યું છે કે એમ્બ્રોઇડરી યુનિટ ધારકો, ધાગા-જરીના વિક્રેતાઓ અને ઉત્પાદકો એકબીજાના પૂરક છે. આ સમગ્ર ઉદ્યોગની સ્થિરતા સાથે હજારો પરિવારોની આજીવિકા જોડાયેલી છે.
રજૂઆત મુજબ કોવિડ બાદ અંદાજે સાતથી આઠ વખત ધાગા અને જરીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ક્રૂડ ઓઇલ, પોલિએસ્ટર અને વિસ્કોસના ભાવ વધતાં તૈયાર મટિરિયલ મોંઘું કરવામાં આવ્યું હતું. જોકે હવે કાચા માલના ભાવ ઘટ્યા હોવા છતાં તેનો લાભ યુનિટ ધારકો સુધી પહોંચ્યો નથી.
એસોસિએશને રજૂ કરેલા આંકડા મુજબ માર્ચ 2026માં PTAનો ભાવ રૂ.106.10 પ્રતિ કિલો હતો, જે નવેમ્બર 2026માં ઘટીને રૂ.93.90 થયો છે. જ્યારે પોલિએસ્ટર મેલ્ટનો ભાવ રૂ.118થી ઘટીને રૂ.104.89 થયો છે. બંને કાચા માલમાં અંદાજે 11 ટકાનો ઘટાડો નોંધાયો છે. ઓક્ટોબરના અંતની ઊંચી સપાટીથી ક્રૂડ ઓઇલના સાપ્તાહિક સરેરાશ ભાવમાં પણ અંદાજે 20 ટકાનો ઘટાડો થયાનો ઉલ્લેખ કરાયો છે.
કોનના વજન અને મીટરમાં તફાવતનો મુદ્દો પણ ઉઠાવ્યો
એસોસિએશને ધાગાના કોન પર દર્શાવેલા મીટર અને જરીના કોન પર દર્શાવેલા વજન સામે વાસ્તવિક જથ્થામાં તફાવત હોવાની ફરિયાદો અંગે પણ ધ્યાન દોર્યું છે. ઉત્પાદકો અને ડીલર્સને પડતર કિંમતની સમીક્ષા કરી યોગ્ય ભાવઘટાડો કરવા તથા ભાવવધારા અને ઘટાડા માટે સમાન માપદંડ જાળવવા અનુરોધ કર્યો છે.