વડોદરા :- શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત GMERS મેડિકલ કોલેજ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. કોલેજમાં અભ્યાસ કરતા ત્રણ જુનિયર વિદ્યાર્થીઓ સાથે સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરવામાં આવ્યું હોવાની ગંભીર ફરિયાદ કોલેજના ડીન સમક્ષ કરવામાં આવતા તબીબી આલમમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાને પગલે એક પીડિત વિદ્યાર્થી માનસિક રીતે એટલો ભયભીત થઈ ગયો છે કે તે હાલ પોતાના ઘરે પરત ફરી ગયો છે અને કોલેજ જવા માટે તૈયાર નથી.
નિયમ મુજબ કડક કાર્યવાહી નહીં થાય તો UGC એન્ટી-રેગિંગ હેલ્પલાઇન અને ઉચ્ચ કક્ષાએ રજૂઆતની ચીમકી
પ્રાપ્ત વિગતો અનુસાર, ગોત્રી મેડિકલ કોલેજના ત્રણ જુનિયર વિદ્યાર્થીઓને સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા હેરાનગતિ અને રેગિંગનો ભોગ બનાવવામાં આવ્યા હતા. આ મામલે કોલેજના ડીનને સત્તાવાર ફરિયાદ કરવામાં આવી હતી. જોકે, વાલીઓનો ગંભીર આક્ષેપ છે કે ફરિયાદ બાદ તંત્ર દ્વારા પીડિત વિદ્યાર્થીને ઘરે મોકલી દેવામાં આવ્યો છે, પરંતુ જે સિનિયર વિદ્યાર્થીઓ સામે રેગિંગના આક્ષેપો થયા છે તેઓ હજુ પણ કોલેજ કેમ્પસ અને હોસ્ટેલમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે. આરોપીઓ સામે કોઈ પ્રાથમિક પગલાં ન લેવાતા પીડિત વિદ્યાર્થીમાં ભયનો માહોલ છે અને તેના ભવિષ્ય તથા અભ્યાસ પર માઠી અસર પડી રહી છે.
સમગ્ર મામલે પીડિત વિદ્યાર્થીના વાલીઓમાં કોલેજ પ્રશાસનના ઢીલા વલણ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓએ સ્પષ્ટ માંગણી કરી છે કે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ના એન્ટી-રેગિંગ નિયમો મુજબ આ સમગ્ર પ્રકરણની તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. આ ઉપરાંત, જવાબદાર સિનિયર વિદ્યાર્થીઓ સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ પીડિત વિદ્યાર્થીની શારીરિક-માનસિક સુરક્ષા જળવાઈ રહે અને તેના અભ્યાસમાં કોઈ અડચણ ન આવે તે અંગે કોલેજ સત્તાધીશો દ્વારા લેખિત ખાતરી આપવામાં આવે.
વાલીઓએ વધુમાં જણાવ્યું છે કે, જો કોલેજ પ્રશાસન દ્વારા આ મામલે તાત્કાલિક યોગ્ય અને કડક કાર્યવાહી કરવામાં નહીં આવે, તો તેઓ આ મુદ્દે UGCની નેશનલ એન્ટી-રેગિંગ હેલ્પલાઇન, મેડિકલ કાઉન્સિલ અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ પુરાવા સાથે ફરિયાદ નોંધાવશે. હાલ તો આ ઘટનાને પગલે અન્ય જુનિયર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
આ સમગ્ર મામલે જ્યારે ગોત્રી મેડિકલ કોલેજના ડીન ડૉ વિશાલા પંડ્યા સાથે વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે છોકરાઓ છોકરાઓ વચ્ચે અંદર ઝગડો થયો છે. છોકરાઓ એ આ બાબતે ફરિયાદ કરી છે. અત્યારે અમે તપાસ કરી રહ્યાં છીએ. હાલમાં અમે તપાસ કમિટીની મિટિંગ બોલાવીએ છીએ એટલે અત્યારે બનાવ વિષે વધુ કઈ કહી શકાય નહીં. તપાસ કર્યા વગર હું વધુ જાણકારી આપી શકું નહીં અને આ બનાવ સંદર્ભે કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી.