સુરત શહેરમાં એક જ દિવસમાં અલગ-અલગ ત્રણ સ્થળોએ આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે. જેમાં ભટાર-રિંગરોડ વિસ્તારના લગ્નપ્રસંગના પાર્ટી પ્લોટ, મોરા ભાગળ ખાતે પાર્ક કરેલી કાર અને રામનગરના એક રહેણાંક મકાનમાં આગ લાગી હતી. ત્રણેય ઘટનાઓમાં ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લેતા મોટી દુર્ઘટના ટળી હતી અને સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.
ભટાર વિસ્તારના લગ્નપ્રસંગના પાર્ટી પ્લોટના રસોડામાં ગેસ લીકેજથી આગ
બપોરના સમયે ભટાર-રિંગરોડ વિસ્તારમાં આવેલા ઈમ્પીરીયલ પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો ત્યારે રસોડા વિભાગમાં ગેસનો બાટલો લીકેજ થવાને કારણે આગ ફાટી નીકળી હતી. આ અંગેનો કોલ મળતા જ ફાયર ઓફિસર રાકેશ ગાવિત સહિતનો સ્ટાફ ફાયર ફાઈટર અને વોટર બાઉઝર સાથે બપોરે 02:36 વાગ્યે ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં જ આગને કાબૂમાં લઈ લીધી હતી. લગ્ન પ્રસંગનો મુખ્ય મંડપ રસોડાથી દૂર હોવાથી મોટી અફરાતફરી કે કોઈ જાનહાનિ થઈ ન હતી.
મોરા ભાગળ ખાતે પાર્ક કરેલી XUV 700 કારમાં આગ
બપોરે 02:04 વાગ્યાના અરસામાં રાંદેરના મોરા ભાગળ વિસ્તારમાં ભાણકી સ્ટેડિયમની સામે આવેલી સન સીટી રેસીડેન્સીના પાર્કિંગમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. અહીં પાર્ક કરેલી હસન તરાની મહિન્દ્રા XUV 700 કાર (GJ-05-RW-8014) ના બોનેટ અને એન્જિનના ભાગમાં અચાનક આગ લાગી હતી. બનાવની જાણ થતા મોરા ભાગળ ફાયર સ્ટેશનના સબ ઓફિસર હરેન્દ્ર ભગવાગર સહિતની ટીમ વોટર ટેન્કર સાથે દોડી ગઈ હતી અને 02:43 વાગ્યા સુધીમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. આગ માત્ર એન્જિનના ભાગ પૂરતી જ સીમિત રહેતા આખી કાર બળીને ખાખ થતા બચી ગઈ હતી.
રામનગરના મકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગતાં ઘરવખરી બળી
આ ઉપરાંત, રાંદેરના રામનગર વિસ્તારમાં ગીતા બેકરીની બાજુમાં આવેલા વરુણધામ એપાર્ટમેન્ટના ઘર નંબર 01માં પણ આગ લાગી હતી. રામચંદ આસાનીના આ મકાનમાં બપોરે 11:45 વાગ્યાના સુમારે શોર્ટ સર્કિટ થવાને કારણે રસોડામાં રહેલા ફ્રીજ અને પંખામાં આગ ભભૂકી ઉઠી હતી. ઘરમાં હાજર તમામ સભ્યો સમયસર બહાર નીકળી ગયા હોવાથી કોઈને ઈજા પહોંચી ન હતી. મોરા ભાગળ ફાયર સ્ટેશનની ટીમ અને GEB ના લાઈનમેને સ્થળ પર પહોંચી વીજ પુરવઠો બંધ કરાવી બપોરે 12:30 વાગ્યા સુધીમાં આગ ઓલવી નાખી હતી, જોકે આગમાં ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.