શહેરમાં નશાના કારોબાર સામે કાર્યવાહી કરી રહેલી ક્રાઈમ બ્રાંચે સીંગણપોર-વેડ દરવાજા રોડ પર બહુચર માતાજી મંદિર ચોક નજીક વોચ ગોઠવી રૂ. 2,95,400ની કિંમતના 14.770 ગ્રામ હેરોઈન સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી હેરોઈન ઉપરાંત એક્ટિવા મોપેડ, ચાર મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ રૂ. 4,99,270નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓએ હેરોઈનનો જથ્થો વરાછા મીનીબજાર ખાતે એક અજાણ્યા શખ્સ પાસેથી ખરીદ્યો હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું છે.
ક્રાઈમ બ્રાંચને મળેલી બાતમીના આધારે ગુરુવારે બપોરે 3:45 વાગ્યાથી સીંગણપોરથી વેડ દરવાજા તરફ જતા માર્ગ પર બહુચર માતાજી મંદિર ચોકના ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન સાંજે 4:20 વાગ્યાના અરસામાં મોપેડ (નં. GJ-05-UZ-3604) પર સવાર ત્રણ શખ્સો મૃગશીર્સ એપાર્ટમેન્ટમાં આવેલી સાંઈ ફેશન દુકાન સામે પહોંચતાં પોલીસે કોર્ડન કરી તેમને અટકાવ્યા હતા.
ત્રણેયની અંગઝડતી દરમિયાન રૂપિયા 2,95,400 હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસની પૂછપરછમાં આરોપીઓએ બે મહિના થી હેરોઇન છૂટક વેચાણ કરતા હોવાનું અને હેરોઈનનો જથ્થો વરાછા મીનીબજાર ખાતે રહેતા એક અજાણ્યા ઈસમ પાસેથી ખરીદ્યો હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે હેરોઈનનો જથ્થો પૂરો પાડનાર અજાણ્યા સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે.
આ મામલે ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ બી.આર. ભાટીની ફરિયાદના આધારે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(C), 21(B) અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ પીએસઆઈ નેશકુમાર કાનજીભાઈ પરમાર કરી રહ્યા છે.
ઝડપાયેલા આરોપીઓ
1. વિશાલ સંજયભાઈ રાઠોડ (ઉં.વ. 26, રહે. રેલ રાહત કોલોની, ગોટાલાવાળી ટેનામેન્ટ પાછળ, સુમુલ ડેરી રોડ, કતારગામ) તેની પાસેથી 7.310 ગ્રામ હેરોઈન, કિંમત રૂ. 1,46,200 મળી આવ્યું હતું.
2. અનિલ ઉર્ફે શિવરાજ તારા કસારા (ઉં.વ. 22, મૂળ.નેપાળના કૈલાલી જિલ્લાના માલા ખેતી ગામનો,હાલ રહે. આકીમી મંઝીલ,બેગમપુરા, મહિધરપુરા)
3. રોશન કિશન ઉર્ફે કેસ દમઈ (ઉં.વ. 25,મૂળ નેપાળના કૈલાલી જિલ્લાના ધનગડી ગામનો , હાલ રહે.,વાવ શેરી મહિધરપુરા). તેની પાસેથી 7.460 ગ્રામ હેરોઈન, કિંમત રૂ. 1,49,200 મળી આવ્યું હતું.