ભારત પાકિસ્તાન સાથેની સરહદ પર હવાઈ સુરક્ષા વધુ મજબૂત કરવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે પાંચમી રશિયન બનાવટની S-400 એર ડિફેન્સ સિસ્ટમ તહેનાત કરવાની યોજના બનાવવામાં આવી છે. અગાઉ ચાર સિસ્ટમ અલગ-અલગ સરહદી વિસ્તારોમાં તહેનાત કરવામાં આવી હતી. સુરક્ષાના કારણોસર તેમની ચોક્કસ તહેનાતી અંગેની વિગતો જાહેર કરવામાં આવતી નથી. ભારતીય વાયુસેનાની એક ટીમ આગામી મહિને રશિયા જઈને નવી S-400 સિસ્ટમનું પ્રી-ડિસ્પેચ નિરીક્ષણ કરશે. આ સિસ્ટમ ફેબ્રુઆરી 2027 સુધીમાં તહેનાતી માટે તૈયાર થઈ જવાની આશા છે.
S-400 ટ્રાયમ્ફ રશિયાની અદ્યતન હવાઈ સંરક્ષણ પ્રણાલી છે. તેને વર્ષ 2007માં રજૂ કરવામાં આવી હતી. આ સિસ્ટમ વિમાનો, ડ્રોન અને વિવિધ પ્રકારની મિસાઇલોથી હવાઈ સુરક્ષા પૂરી પાડવા માટે બનાવવામાં આવી છે. વિશ્વની અદ્યતન હવાઈ સંરક્ષણ પ્રણાલીઓમાં તેની ગણના થાય છે.
ભારત પાસે S-400ની ચાર સ્ક્વોડ્રન
ભારતે રશિયા પાસેથી S-400 સિસ્ટમ ખરીદવાનો સોદો કર્યો હતો. એક સ્ક્વોડ્રનમાં 256 મિસાઇલો હોય છે. અહેવાલ મુજબ, ભારત પાસે હાલમાં ચાર સ્ક્વોડ્રન છે, જે દેશની વિવિધ સરહદોની સુરક્ષા માટે તહેનાત કરવામાં આવી છે. પ્રથમ સ્ક્વોડ્રન જે વર્ષ 2021માં ભારતને મળી હતી, બીજી સ્ક્વોડ્રન જુલાઈ 2022માં મળી હતી, ત્રીજી સ્ક્વોડ્રન ફેબ્રુઆરી 2023માં ભારત પહોંચી હતી અને ચોથી સ્ક્વોડ્રન જૂન 2026માં ભારત પહોંચી હતી. આ સિસ્ટમો દ્વારા દેશની પશ્ચિમ અને ઉત્તર-પૂર્વીય સરહદો પર હવાઈ સુરક્ષા મજબૂત બનાવવામાં આવી રહી છે.
ચીન પાકિસ્તાનને J-35 ફાઇટર જેટ આપી શકે છે
અહેવાલ મુજબ, ચીન વર્ષ 2027માં પાકિસ્તાનને પાંચમી પેઢીનાં J-35 ફાઇટર જેટ આપી શકે છે. આ સંભવિત ખરીદીને ધ્યાનમાં રાખીને ભારત લાંબા અંતર સુધી હુમલો કરી શકે તેવાં શસ્ત્રો અને લાંબા સમય સુધી હવામાં રહીને લક્ષ્યાંકની ઓળખ કરી શકે તેવાં ડ્રોન તૈયાર કરવાની તથા ખરીદવાની યોજના બનાવી રહ્યું છે. ભારત ચીનની PL-15E લાંબા અંતરની મિસાઇલ અને HQ-9BE એર ડિફેન્સ સિસ્ટમનો સામનો કરવા માટે પણ પોતાની સંરક્ષણ ક્ષમતાઓ વધારી રહ્યું છે.
અહેવાલમાં જણાવ્યા અનુસાર, ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની વાયુસેનાએ ચીનનાં J-10 ફાઇટર જેટ અને સ્વીડિશ AWACSની મદદથી PL-15E મિસાઇલોનો ઉપયોગ કર્યો હતો. આ મિસાઇલોની મારક ક્ષમતા આશરે 200 કિલોમીટર હોવાનું જણાવાયું છે.
પાકિસ્તાન ચીન પાસેથી આઠ સબમરીન ખરીદી રહ્યું છે
અહેવાલ અનુસાર, ચીન અને તુર્કીયે પાકિસ્તાનની સૈન્ય ક્ષમતા વધારવામાં મદદ કરી રહ્યાં છે. અમેરિકા પાકિસ્તાનનાં F-16 ફાઇટર જેટને આધુનિક બનાવવામાં સહયોગ આપી રહ્યું છે, જ્યારે સાઉદી અરેબિયા તેને આર્થિક સહાય પૂરી પાડી રહ્યું છે. પાકિસ્તાન ચીન પાસેથી આઠ હેંગોર ક્લાસ સબમરીન ખરીદી રહ્યું છે. આ સોદાની કિંમત 5 અબજ ડોલર એટલે કે આશરે રૂ. 46,220 કરોડથી વધુ હોવાનું જણાવાયું છે. તેમાંથી એક સબમરીન જૂન 2026માં પાકિસ્તાની નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું. બીજી તરફ, તુર્કી પાકિસ્તાનની અગોસ્તા-90B સબમરીનને આધુનિક બનાવી રહ્યું છે અને તેને લાંબા અંતર સુધી હુમલો કરી શકે તેવાં કામિકાઝે ડ્રોન પણ આપી રહ્યું છે. ચીન પાકિસ્તાનને મિસાઇલ છોડવાની ક્ષમતા ધરાવતાં વિંગ લૂંગ-II ડ્રોન પણ આપી ચૂક્યું છે.
ઓપરેશન સિંદૂરમાં S-400ની કામગીરીનો દાવો
ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય વાયુસેનાની S-400 એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા પાકિસ્તાની વિમાનને તોડી પાડવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. સંરક્ષણ મંત્રાલયના અહેવાલને ટાંકીને જણાવાયું હતું કે આ કાર્યવાહી પાકિસ્તાનની અંદર આશરે 314 કિલોમીટરના અંતરે કરવામાં આવી હતી.
અહેવાલ અનુસાર, સંઘર્ષ દરમિયાન પાકિસ્તાને પોતાનું હવાઈ ક્ષેત્ર ખુલ્લું રાખ્યું હતું. તેના કારણે લશ્કરી અને નાગરિક વિમાનો એક જ હવાઈ ક્ષેત્રમાં ઉડતાં હોવાથી નાગરિકોની સુરક્ષાનું જોખમ ઊભું થયું હતું.
આ દરમિયાન ભારતીય વાયુસેનાએ પોતાની સંરક્ષણ પ્રણાલીની મદદથી પાકિસ્તાની લશ્કરી વિમાનની ઓળખ કરી હતી. ત્યારબાદ S-400 દ્વારા લાંબા અંતરની જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલનો ઉપયોગ કરીને તેને નિશાન બનાવવામાં આવ્યું હોવાનો દાવો સંરક્ષણ મંત્રાલયના અહેવાલમાં કરવામાં આવ્યો હતો.