મેગી, કિટકેટ, નેસ્કેફે અને મિલ્કમેઇડ જેવી જાણીતી પ્રોડક્ટ બનાવતી કંપની નેસ્લે ઇન્ડિયાને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) તરફથી ₹36.36 લાખની ચુકવણીનો આદેશ મળ્યો છે. આ રકમમાં ₹20.09 લાખ નુકસાનભરપાઈ અને પેનલ્ટી પેટે, જ્યારે બાકીના ₹16.27 લાખ વ્યાજ પેટે સામેલ છે. આ મામલો વર્ષ 2012થી 2019 દરમિયાનના સમયગાળાનો છે. નેસ્લે ઇન્ડિયાના મૈસુર પ્લાન્ટ/ઓફિસ સંબંધિત કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ (PF) ના પૈસા જમા કરાવવામાં વિલંબ થયો હતો અથવા તફાવત રહ્યો હતો. નિયમ મુજબ કંપનીએ દર મહિને PF જમા કરાવવું પડે છે, જેમાં વિલંબ થાય તો દંડ લાગે છે.
કંપનીએ 27 નવેમ્બરે શેરબજારને આપેલી જાણકારીમાં જણાવ્યું હતું કે તેને EPFOની મૈસુર પ્રાદેશિક કચેરી તરફથી આ આદેશ મળ્યો છે. આ આદેશ 26 નવેમ્બર, 2026ના રોજ મળ્યો હતો. કંપનીના જણાવ્યા અનુસાર, તેની નાણાકીય સ્થિતિ, કામગીરી કે અન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર આ નિર્ણયની કોઈ નોંધપાત્ર અસર થવાની નથી.
EPFOએ કેટલી રકમની માંગ કરી?
EPFO દ્વારા નેસ્લે ઇન્ડિયાને કુલ ₹36,36,548 ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ રકમનું વિભાજન નીચે મુજબ છે:
- ₹20,09,516: નુકસાનભરપાઈ અને પેનલ્ટી
- ₹16,27,032: વ્યાજની રકમ
આ માંગ કંપનીના PF કોડ હેઠળ વર્ષ 2012થી 2019ના સમયગાળાને લગતી છે. EPFOની મૈસુર કચેરીએ કર્મચારી ભવિષ્ય નિધિ અને વિવિધ જોગવાઈઓ અધિનિયમ, 1952ની કલમ 7Q અને 14B હેઠળ આ આદેશ આપ્યો છે.
EPF કાયદાની કલમ 7Q અને 14B હેઠળ PFની બાકી રકમ પર વ્યાજ અને નુકસાનભરપાઈ વસૂલવાની જોગવાઈ છે.
- કલમ 7Q: જો નોકરીદાતા PFની બાકી રકમ સમયસર જમા ન કરાવે, તો તેના પર વ્યાજ વસૂલવાની જોગવાઈ છે.
- કલમ 14B: PFની રકમ જમા કરવામાં ડિફોલ્ટ થાય તો EPFO નોકરીદાતા પાસેથી નુકસાનભરપાઈના સ્વરૂપમાં પેનલ્ટી વસૂલી શકે છે.
નેસ્લે ઇન્ડિયાએ શું કહ્યું?
નેસ્લે ઇન્ડિયાએ શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે EPFOના આ આદેશની કંપનીની નાણાકીય સ્થિતિ, કામગીરી અથવા અન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર કોઈ નોંધપાત્ર અસર નહીં થાય. જોકે, કંપની આ આદેશને પડકારશે કે માંગવામાં આવેલી રકમ ચૂકવશે તે અંગે હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી.