વિદેશ પ્રવાસ દરમિયાન ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે લોકલ SIM ખરીદવું અથવા મોંઘા ઇન્ટરનેશનલ રોમિંગ પેક રિચાર્જ કરાવવાની ઝંઝટ ટૂંક સમયમાં દૂર થઈ શકે છે. લોકપ્રિય મેસેજિંગ એપ WhatsApp પોતાના યુઝર્સ માટે નવી eSIM સુવિધા લાવવાની તૈયારી કરી રહ્યું છે. આ સુવિધા શરૂ થયા બાદ પ્રવાસીઓ WhatsApp એપની અંદરથી જ વિદેશ માટેના ઇન્ટરનેટ ડેટા પ્લાન ખરીદી શકશે. ખાસ વાત એ છે કે આ માટે ફોનમાં પહેલેથી ઉપયોગમાં લેવાતું SIM કાઢવાની જરૂર નહીં પડે.
1Global સાથે મળીને WhatsApp તૈયાર કરી રહ્યું છે સુવિધા
WABetaInfoના અહેવાલ મુજબ, WhatsApp આ નવી સુવિધા માટે 1Global સાથે ભાગીદારી કરી રહ્યું છે. આ ફીચરની ઝલક WhatsAppના Android બીટા વર્ઝન 2.26.47.4માં જોવા મળી છે, જે Google Play Store પર ઉપલબ્ધ છે. જોકે, આ સુવિધા હાલમાં વિકાસના પ્રારંભિક તબક્કામાં છે અને સામાન્ય યુઝર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવી નથી.
દેશ પ્રમાણે પસંદ કરી શકાશે ડેટા પ્લાન
નવું ફીચર શરૂ થયા બાદ યુઝર્સ વિદેશ પ્રવાસ માટે પોતાની જરૂરિયાત પ્રમાણે ઇન્ટરનેટ પ્લાન પસંદ કરી શકશે. તેમાં મર્યાદિત ડેટા અને અનલિમિટેડ ડેટા જેવા વિકલ્પો મળવાની શક્યતા છે. ઓછા ઇન્ટરનેટનો ઉપયોગ કરતા લોકો મર્યાદિત ડેટા પ્લાન પસંદ કરી શકશે, જ્યારે વધુ ડેટાની જરૂરિયાત ધરાવતા લોકો અનલિમિટેડ પ્લાન લઈ શકશે.
આ ઉપરાંત, યુઝર્સ જે દેશમાં પ્રવાસ કરવાના હોય તે દેશનું નામ સર્ચ કરીને ત્યાં ઉપલબ્ધ ડેટા પ્લાનની વિગતો મેળવી શકશે. લોકપ્રિય પ્રવાસન સ્થળો અને અલગ-અલગ પ્રદેશોના આધારે પણ પ્લાન પસંદ કરવાનો વિકલ્પ મળી શકે છે. એકથી વધુ દેશોમાં પ્રવાસ કરનારા લોકો માટે ગ્લોબલ ડેટા પ્લાનની સુવિધા પણ મળવાની શક્યતા છે. પ્લાન ખરીદ્યા બાદ eSIMને સપોર્ટ કરતા સ્માર્ટફોનમાં તેને ઇન્સ્ટોલ કરી શકાશે.
જૂનું SIM પણ ચાલુ રહેશે
આ ફીચરની સૌથી મહત્ત્વપૂર્ણ ખાસિયત એ છે કે યુઝર્સે પોતાના ફોનમાંથી જૂનું SIM કાઢવાની જરૂર નહીં પડે. ટ્રાવેલ eSIM અલગથી કામ કરશે અને હાલનું SIM પણ ચાલુ રહેશે. આથી વિદેશમાં હોવા છતાં યુઝર્સ પોતાના જૂના મોબાઇલ નંબર પર કોલ અને મેસેજ મેળવી શકશે. સ્માર્ટફોન વિદેશના સ્થાનિક મોબાઇલ નેટવર્ક સાથે જોડાશે ત્યારે ખરીદેલો eSIM ડેટા પ્લાન આપમેળે સક્રિય થઈ જશે. આ અંગે WhatsApp દ્વારા નોટિફિકેશન મારફતે પણ જાણ કરવામાં આવશે. આ સુવિધા શરૂ થયા બાદ વિદેશમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે વારંવાર SIM બદલવાની કે ફોનની સેટિંગ્સમાં ફેરફાર કરવાની જરૂરિયાત ઘટી શકે છે.
WhatsAppનું eSIM ફીચર ક્યારે લોન્ચ થશે?
હાલમાં WhatsApp દ્વારા આ નવી સુવિધા ક્યારે તમામ યુઝર્સ માટે શરૂ કરવામાં આવશે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ફીચર હજુ વિકાસના પ્રારંભિક તબક્કામાં છે. હાલમાં બીટા વર્ઝનનો ઉપયોગ કરતા યુઝર્સ પણ તેનો લાભ લઈ શકતા નથી. આગામી સમયમાં પરીક્ષણની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ WhatsApp દ્વારા આ ફીચરના લોન્ચ અને તેની ઉપલબ્ધતા અંગે વધુ વિગતો જાહેર કરવામાં આવી શકે છે.