વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ઝરોદ બસ સ્ટેન્ડ પાસેથી ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા એક શંકાસ્પદ આતંકીને ઝડપી પાડવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના સંદર્ભે ઝરોદ ગામના સરપંચ રૂપેશભાઈ કાંતિભાઈ સોલંકીએ ગ્રામજનો વતી પ્રતિક્રિયા આપતા સુરક્ષા એજન્સીઓની કામગીરીને બિરદાવી છે અને આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સરપંચ રૂપેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, સમગ્ર ગ્રામજનોની એક જ માંગણી છે કે આવા દેશવિરોધી તત્વોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં ન આવે. આરોપીની ઊંડાણપૂર્વક પૂછપરછ કરીને તેના અન્ય કેટલા સાગરીતો છે, તેનો મોટો ષડયંત્ર શું હતો અને તે કયા પ્રકારે આતંક ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો તેની સંપૂર્ણ વિગતો બહાર લાવી તેને કડકમાં કડક સજા થવી જોઈએ. ઝરોદમાં આ શખ્સ કોઈ સ્થાનિક વ્યક્તિના સંપર્કમાં હતો કે કેમ તે અંગે ચાલી રહેલી પોલીસ તપાસ બાબતે સરપંચે સ્પષ્ટ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમના ગામનો કોઈ પણ વ્યક્તિ આવી પ્રવૃત્તિમાં સામેલ હોઈ શકે નહીં. જોકે, તેમણે શક્યતા વ્યક્ત કરી હતી કે બહારનો કોઈ અજાણ્યો કે પરપ્રાંતીય વ્યક્તિ અહીં આવીને સંડોવાયેલો હોઈ શકે છે. પ્રાથમિક માહિતી મુજબ, પકડાયેલો બિન-ગુજરાતી શખ્સ પાસેથી કારતૂસ પણ મળી આવ્યા હોવાની વિગતો સામે આવી છે. સરપંચે વધુમાં ઉમેર્યું હતું કે, એટીએસ અને પોલીસની સતર્કતા તથા સુંદર કામગીરીના કારણે જ મોટી દુર્ઘટના ટળી છે અને આ શખ્સ ઝડપાયો છે. સુરક્ષા એજન્સીઓની આ કામગીરીમાં સમગ્ર ગામ તેમની સાથે છે અને ભવિષ્યમાં તપાસ અર્થે કોઈ પણ જરૂર પડશે તો ગ્રામજનો પોલીસને સંપૂર્ણ સહયોગ આપશે.