દિલ્હી સરકારે શુક્રવારે (27 નવેમ્બર) પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના જૂના સરકારી નિવાસસ્થાન 'શીશ મહેલ'ને મીડિયા માટે ખોલ્યું હતું . દિલ્હીના PWD મંત્રી પરવેશ વર્માએ મીડિયા પ્રતિનિધિઓને બંગલાની અંદર લઈ જઈ ત્યાં કરવામાં આવેલા ખર્ચ અને મોંઘા ફર્નિચરની વિગતો બતાવી હતી. સરકારે ટૂંક સમયમાં આ બંગલાને સામાન્ય લોકો માટે પણ ખુલ્લો મૂકવાની જાહેરાત કરી છે.
દિલ્હી સરકારના દાવા મુજબ બંગલાની અંદર અનેક વસ્તુઓની કિંમત દર્શાવતા બોર્ડ લગાવવામાં આવ્યા હતા. તેમાં કેટલીક વસ્તુઓની કિંમત આ પ્રમાણે છે:
- ઝૂમર (Chandelier): ₹11.56 લાખ
- બે વ્યક્તિનો સોફા: ₹5.47 લાખ
- ટીવી યુનિટ: ₹30 લાખ
- ડબલ બેડ: આશરે ₹1.96 લાખ
- પડદા: આશરે ₹5.69 લાખ
- ડાઇનિંગ ટેબલ અને ખુરશીઓ: આશરે ₹5.58 લાખ
- રાઉન્ડ સાઇડ ટેબલ: ₹10 લાખ
બંગલાની બહાર લગાવવામાં આવેલા બોર્ડ મુજબ, તેના પર થયેલો કુલ ખર્ચ ₹58.83 કરોડ દર્શાવવામાં આવ્યો છે.
રિપોર્ટ્સ અનુસાર, આ બંગલામાં આઠ બેડરૂમ, 12 શૌચાલય, પાંચ OLED ટીવી જકુઝી અને સ્પા જેવી સુવિધાઓ છે. આ ઉપરાંત, તેમાં મોંઘા કાર્પેટ, ઓટોમેટિક દરવાજા અને બારીઓ સહિત અનેક આધુનિક સુવિધાઓ પણ છે.
દિલ્હીના PWD મંત્રી પરવેશ વર્માએ જણાવ્યું કે બંગલાને મીડિયા માટે ખોલવાનો હેતુ લોકોને બતાવવાનો છે કે તેમના ટેક્સના પૈસા ક્યાં અને કેવી રીતે ખર્ચવામાં આવ્યા છે.
તેમણે કેજરીવાલ પર નિશાન સાધતા આરોપ લગાવ્યો કે એક સમયે સાદગીની વાત કરનારા નેતાના નિવાસસ્થાન પર સરકારી નાણાંનો મોટો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેમણે એવો પણ દાવો કર્યો કે બંગલામાં વપરાયેલી કેટલીક વસ્તુઓ વિદેશથી મંગાવવામાં આવી હતી.
CAG રિપોર્ટમાં પણ ખર્ચ અંગે સવાલો
માર્ચ 2026માં દિલ્હીની વિધાનસભામાં રજૂ થયેલા CAGના અહેવાલમાં આ બંગલાના રિનોવેશન પાછળ ₹33.66 કરોડનો ખર્ચ થયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ખર્ચ શરૂઆતના ₹7.91 કરોડના અંદાજ કરતાં 342 ટકા વધારે હતો.
રિપોર્ટ મુજબ, કુલ ખર્ચમાંથી ₹18.88 કરોડનો ખર્ચ ઉચ્ચ ગુણવત્તાની સજાવટ, કલાત્મક અને શણગારની વસ્તુઓ પાછળ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં બાંધકામ અને મંજૂરી પ્રક્રિયા સંબંધિત કેટલીક ગેરરીતિઓ પણ દર્શાવવામાં આવી હતી. જોકે, આમ આદમી પાર્ટીએ અગાઉ આ આરોપોને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા હતા.
હવે સામાન્ય લોકો પણ જોઈ શકશે
દિલ્હી સરકારે શરૂઆતમાં મીડિયા માટે બંગલાના દરવાજા ખોલ્યા છે. ત્યારબાદ સામાન્ય લોકો માટે પણ મુલાકાતની વ્યવસ્થા કરવામાં આવશે. આ માટે ટિકિટ બુકિંગની વ્યવસ્થા ઊભી કરવાની યોજના છે. જોકે, જાહેર મુલાકાત શરૂ થવાની ચોક્કસ તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.