ગુજરાત એ.ટી.એસ. (ATS) એ વડોદરામાં મોટા આતંકી હુમલાના કાવતરાનો પર્દાફાશ કરીને એક શંકાસ્પદ આરોપીની ધરપકડ કરી છે. આસામના ૨૨ વર્ષીય યુવક મોહમ્મદ શાહરૂલ ઇસ્લામ કબીરૂદ્દીનને ઓટોમેટિક એસોલ્ટ રાઈફલ, જીવતા કારતૂસ અને પ્રતિબંધિત સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) ના ધ્વજ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી વડોદરાના એરફોર્સ સ્ટેશનને નિશાન બનાવવાની ફિરાકમાં હતો અને હુમલા બાદ પાકિસ્તાન હિજરત કરવાની યોજના ધરાવતો હતો. આ સમગ્ર મામલે ગુજરાત એ.ટી.એસ. પોલીસ સ્ટેશન ખાતે UAPA તેમજ આર્મ્સ એક્ટ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ નેટવર્કમાં અન્ય કોણ કોણ સામેલ છે તેની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.
કેવી રીતે ઝડપાયો આરોપી ?
• ગુપ્ત બાતમી અને ટેક્નિકલ સર્વેલન્સ : એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાયને મળેલી ગુપ્ત માહિતીના આધારે, પોલીસ અધિક્ષક કે. સિદ્ધાર્થ અને કે.કે. પટેલના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમોએ ટેક્નિકલ અને હ્યુમન ઈન્ટેલિજન્સ દ્વારા તપાસ શરૂ કરી હતી.
• હોટલથી પાલડી બસ સ્ટેન્ડ સુધી : વડોદરાના સયાજીગંજ રેલવે વિસ્તાર નજીકની એક હોટલમાંથી આરોપી સવારે ૯ વાગ્યે ચેકઆઉટ કર્યા વગર નીકળી ગયો હોવાનું સામે આવ્યું હતું. ટેક્નિકલ વિગતોના આધારે તે દાહોદ તરફથી વડોદરા આવી રહ્યો હોવાની માહિતી મળતા હાલોલ-વડોદરા રોડ પર ગોલ્ડન ચોકડી નજીક નાકાબંધી કરાઈ હતી. ત્યારબાદ હોટલ દર્શન આસપાસ તપાસ કરતા પાલડી બસસ્ટેન્ડ પાસેથી શંકાસ્પદને ઝડપી લેવાયો હતો.
મોબાઈલ તપાસમાં ચોંકાવનારા ખુલાસા
• એરફોર્સ સ્ટેશન ટાર્ગેટ પર: આરોપીના મોબાઈલની વ્હોટ્સએપ ચેટ તપાસતા વડોદરા એરફોર્સ સ્ટેશનના ગેટ અને અન્ય મહત્વના સ્ટ્રક્ચર પર 'લાલ ચોકડી' દર્શાવતી તસવીરો મળી આવી છે, જેને આરોપીએ ટાર્ગેટ પોઈન્ટ ગણાવ્યા હતા.
• રેકી અને તાલીમના વીડિયો: મોબાઈલમાંથી એરફોર્સ સ્ટેશનની રેકી કરતો વીડિયો, ગૂગલ મેપના સ્ક્રીનશોટ, શંકાસ્પદ લિંક્સ, વ્હોટ્સએપ ગ્રુપ્સ/ચેનલ્સની લિંક્સ તેમજ AK-47 જેવી રાઈફલ ચલાવવાની તાલીમ દર્શાવતા વીડિયો પણ મળ્યા છે.
• પાકિસ્તાન કનેક્શન : પ્રાથમિક તપાસ મુજબ, આરોપી પાકિસ્તાનસ્થિત હેન્ડલર 'મુફતી રફીક ઉર્ફે ઈબ્ન અબ્દુલ્લા' ના સંપર્કમાં રહીને કાર્યવાહી કરી રહ્યો હોવાની શંકા છે.
• લોજિસ્ટિક સપોર્ટ અને 'હિજરત' ની યોજના: પૂછપરછમાં સામે આવ્યું છે કે કાવતરાને પાર પાડવા જરૂરી લોજિસ્ટિક સપોર્ટ અને નવો ફોન ખરીદવા માટે ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું. હુમલાની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી પાકિસ્તાન હિજરત કરીને જૈશ-એ-મોહમ્મદમાં જોડાવાનો ઈરાદો ધરાવતો હતો.
જપ્ત કરાયેલી વસ્તુ
AK-47 જેવી બનાવટની ઓટોમેટિક એસોલ્ટ રાઈફલ
મેગેઝીન અને કારતૂસ
ખાલી મેગેઝીન અને ૨૩ જીવતા કારતૂસ
જૈશ-એ-મોહમ્મદ (JeM) નો ધ્વજ
મોબાઈલ ફોન અને સિમકાર્ડ્સ, અંદાજે ૨૦,૦૦૦ રૂપિયા રોકડા