ઉત્તરપ્રદેશમાં 2022ની વિધાનસભા ચૂંટણીને લઈને અલ્હાબાદ હાઈકોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. બિજનૌર જિલ્લાની નહતૌર બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય ઓમ કુમારની ચૂંટણી રદ કરવામાં આવી છે. ઉમેદવારી પત્ર સાથે રજૂ કરાયેલા સોગંદનામામાં આવકની જરૂરી વિગતો છુપાવવામાં આવી હોવાની બાબતને કોર્ટે ગંભીર ગણી છે. આ સાથે જ અધૂરા સોગંદનામા છતાં ઉમેદવારી સ્વીકારનારા ચૂંટણી અધિકારીની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.
પાંચ વર્ષના બદલે માત્ર એક વર્ષની આવક દર્શાવી
મામલા મુજબ, ચૂંટણી દરમિયાન ઉમેદવાર માટે રજૂ કરાતા ફોર્મ-26ના સોગંદનામામાં છેલ્લાં પાંચ નાણાકીય વર્ષ (2017-18થી 2021-22)ની આવકની વિગતો આપવી ફરજિયાત હતી. જોકે, ઓમ કુમારે સોગંદનામામાં માત્ર વર્ષ 2021-22ની રૂ. 1,45,81,059ની આવક દર્શાવી હતી. જ્યારે 2017-18થી 2020-21 સુધીનાં ચાર વર્ષના આવકના કોલમ ખાલી રાખ્યા હતા.
આટલી મહત્ત્વપૂર્ણ વિગતો અધૂરી હોવા છતાં ચૂંટણી અધિકારીએ તેમનું ઉમેદવારી પત્ર સ્વીકારી લીધું હતું. હાઈકોર્ટમાં આ બાબત સામે આવ્યા બાદ ઉમેદવારી પત્રની ચકાસણી અને ચૂંટણી અધિકારીની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા હતા.
માત્ર 258 મતથી જીત્યા હતા ઓમ કુમાર
વર્ષ 2022માં નહતૌર બેઠક પર 14 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું અને 10 માર્ચે પરિણામ જાહેર થયું હતું. આ ચૂંટણીમાં ઓમ કુમારને 77,935 મત મળ્યા હતા, જ્યારે તેમના હરીફ ઉમેદવારને 77,677 મત મળ્યા હતા. આમ, તેઓ માત્ર 258 મતના નજીવા અંતરથી વિજેતા બન્યા હતા.
હવે 2027ની વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હાઈકોર્ટે તેમનું નિર્વાચન રદ કરવાનો ચુકાદો આપ્યો છે. આ ચુકાદા બાદ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન થયેલી ક્ષતિઓ અને લાંબા સમય સુધી ધારાસભ્ય તરીકે પદ પર રહેલા ઓમ કુમારના કાર્યકાળને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.
મતદારોના મૂળભૂત અધિકારના ભંગને ગંભીર ગણાવ્યો
ન્યાયમૂર્તિ સલિલ કુમાર રાયે સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાઓનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે બંધારણના અનુચ્છેદ 19(1)(એ) હેઠળ મતદારોને ઉમેદવારની નાણાકીય પૃષ્ઠભૂમિ જાણવાનો મૂળભૂત અધિકાર છે. ઉમેદવાર દ્વારા સોગંદનામામાં જરૂરી વિગતો છુપાવવી એ ગંભીર બાબત છે અને તેનાથી ચૂંટણીના પરિણામ પર સીધી અસર થઈ શકે છે. ચૂંટણી અધિકારી દ્વારા ચકાસણી યાદીમાં ઉમેદવારી પત્રને યોગ્ય ગણાવવામાં આવ્યું હોવાના બચાવને પણ હાઈકોર્ટે સ્વીકાર્યો નહોતો.
15 દિવસ સુધી મતદાન અને નાણાકીય લાભ પર રોક
હાઈકોર્ટે પોતાના ચુકાદા પર 15 દિવસની આંશિક રોક લગાવી છે. આ સમયગાળા દરમિયાન ઓમ કુમાર વિધાનસભા ગૃહમાં મતદાન કરી શકશે નહીં તેમજ ધારાસભ્ય તરીકે કોઈ નાણાકીય લાભ પણ મેળવી શકશે નહીં.
આ ઉપરાંત, હાઈકોર્ટે રજિસ્ટ્રાર જનરલને આ ચુકાદાની જાણ ભારતના ચૂંટણી પંચ અને ઉત્તરપ્રદેશ વિધાનસભાના અધ્યક્ષને કરવા આદેશ આપ્યો છે. આ ચુકાદાથી ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા સોગંદનામામાં આપવામાં આવતી વિગતોની ચોકસાઈ અને ચૂંટણી તંત્રની જવાબદારીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.