ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ, ગુણવત્તા અને સ્વચ્છતાના ધોરણોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરવાની જવાબદારી ધરાવતા સુરત જિલ્લા ફૂડ સેફ્ટી વિભાગમાં માનવબળની અછત ચિંતાજનક સ્થિતિમાં છે. વિભાગમાં છ ફૂડ ઇન્સ્પેક્ટરના મંજૂર મહેકમ સામે હાલમાં માત્ર ચાર ઇન્સ્પેક્ટર ફરજ બજાવી રહ્યા છે.
બીજી તરફ જિલ્લામાં કુલ ૨,૧૬૬ ફૂડ બિઝનેસ યુનિટ રજિસ્ટર્ડ છે. એટલે કે એક ઇન્સ્પેક્ટરના ભાગે સરેરાશ ૫૪૧થી વધુ એકમોની તપાસની જવાબદારી આવે છે. સવાલ એ છે કે આટલા ઓછા સ્ટાફથી તમામ એકમોની તપાસ સમયસર અને અસરકારક રીતે ક્યારે અને કેવી રીતે પૂર્ણ થશે? સુરત જિલ્લાનો કુલ ભૌગોલિક વિસ્તાર ૭,૬૫૭ ચોરસ કિલોમીટર છે. તેમાંથી સુરત મહાનગરપાલિકાની હદનો વિસ્તાર બાદ કરતાં મહાનગરપાલિકા બહારનો વિસ્તાર આશરે ૭,૧૯૫.૪૦ ચોરસ કિલોમીટર થાય છે.
આ વિશાળ વિસ્તારમાં ખાદ્ય સુરક્ષાની દેખરેખ રાખવાની જવાબદારી જિલ્લા ફૂડ સેફ્ટી વિભાગના ચાર ઇન્સ્પેક્ટરો પર છે. ગણતરી પ્રમાણે એક ઇન્સ્પેક્ટરના ભાગે સરેરાશ ૧,૭૯૮.૮૫ ચોરસ કિલોમીટર વિસ્તાર આવે છે. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ, મીઠાઈ-નાસ્તાની દુકાનો, હોટલ, રેસ્ટોરન્ટ, કેટરિંગ અને અન્ય ખાદ્ય એકમોમાં નિયમિત તપાસ જરૂરી છે. પરંતુ મર્યાદિત માનવબળને કારણે તપાસની કામગીરી કેટલી વ્યાપક અને નિયમિત રીતે થઈ શકે તે મોટો પ્રશ્ન છે.
રાજ્ય સરકારે સુરત જિલ્લા માટે વધુ ચાર ફૂડ ઇન્સ્પેક્ટરની જગ્યાનો ઉમેરો કરતાં કુલ મહેકમ છથી વધારીને દસ કર્યું છે. આ વધારાની જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. ભરતી પૂર્ણ થયા બાદ સ્ટાફની અછત હળવી થશે અને ૨,૧૬૬ રજિસ્ટર્ડ એકમો પર દેખરેખ વધુ અસરકારક બનવાની આશા છે. જોકે વધતો વિસ્તાર અને વધતી વસ્તી સામે પંદર થી વધુ ફૂડ ઇન્સ્પેક્ટરોની જરૂરિયાત સેવાઈ રહી છે.