થેંક્સગિવિંગની રજાઓ દરમિયાન પૂર્વી અમેરિકામાં આવેલા ભયંકર વાવાઝોડાએ અનેક રાજ્યોમાં જનજીવન ખોરવી નાખ્યું છે. મિઝોરીથી લઈને ન્યૂયોર્ક સુધી ફેલાયેલા આ વાવાઝોડાને કારણે ભારે વરસાદ, હિમવર્ષા, પૂર અને તોફાની પવન ફૂંકાયા હતા. ખરાબ હવામાનની અસર વીજ પુરવઠા, હવાઈ મુસાફરી અને માર્ગ પરિવહન પર જોવા મળી હતી. રજાઓ દરમિયાન પ્રવાસે નીકળેલા લોકોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
વીજ પુરવઠા સંબંધિત આંકડા મુજબ, વાવાઝોડાને કારણે અમેરિકાના વિવિધ રાજ્યોમાં 7.24 લાખથી વધુ વીજ ગ્રાહકોને વીજળી વિના રહેવું પડ્યું હતું. સૌથી વધુ અસર વર્જિનિયામાં જોવા મળી હતી, જ્યાં 2 લાખથી વધુ ઘરોમાં વીજળી ગુલ થઈ હતી. આ ઉપરાંત મેરીલેન્ડમાં 1.50 લાખથી વધુ અને મિઝોરીમાં રાતોરાત થયેલી હિમવર્ષાને કારણે 1.29 લાખથી વધુ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો હતો. પેન્સિલવેનિયામાં 70 હજારથી વધુ અને ન્યૂ જર્સીમાં 60 હજારથી વધુ ગ્રાહકોને પણ વીજ કાપનો સામનો કરવો પડ્યો હતો. ઉત્તર કેરોલિના, ઇલિનોઇસ અને ડેલાવેરમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી હતી. દરિયાકાંઠાના વિસ્તારોમાં પાણીનું સ્તર પણ રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યું હતું.
બીજી તરફ, ખરાબ હવામાનને કારણે હવાઈ મુસાફરી પર પણ માઠી અસર પડી હતી. 6 હજારથી વધુ ફ્લાઇટ્સ મોડી પડતાં એરપોર્ટ પર મુસાફરોની મુશ્કેલી વધી હતી. થેંક્સગિવિંગની રજાઓ દરમિયાન મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરતા હોવાથી ફ્લાઇટ્સના વિલંબને કારણે તેમની મુસાફરીનું આયોજન ખોરવાયું હતું.
વાવાઝોડા દરમિયાન 50થી 70 માઇલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતાં અનેક સ્થળોએ માળખાગત સુવિધાઓને નુકસાન પહોંચ્યું હતું. પેન્સિલવેનિયા અને ન્યૂ જર્સીને જોડતો કોમોડોર બેરી બ્રિજ પણ બંધ કરવો પડ્યો હતો. પુલ પર ટ્રાફિક લેનની ઉપર આવેલા વર્ક પ્લેટફોર્મને નુકસાન થતાં ડેલાવેર રિવર પોર્ટ ઓથોરિટીએ તેને વાહનવ્યવહાર માટે અસુરક્ષિત જાહેર કર્યો હતો. હવામાન સુધર્યા બાદ સમારકામ કરીને પુલ ફરી શરૂ કરવામાં આવશે તેમ જણાવાયું હતું.