દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભરૂચ નજીક નર્મદા બ્રિજ પહેલાં સુરત તરફ જતા માર્ગ પર ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. કડીથી ખાદ્યતેલનો જથ્થો ભરીને નવસારી અને ચીખલી તરફ જઈ રહેલા એક આઈસર ટેમ્પોના ચાલકે આગળ જતા કન્ટેનર પાછળ ટેમ્પો અથડાવી દેતાં અકસ્માત સર્જાયો હતો.
મહેસાણા જિલ્લાના કડી ખાતે રહેતા અને 'જગદંબા રોડવેઝ' નામની ટ્રાન્સપોર્ટ પેઢી ચલાવતા અનિલભાઈ જગદીશભાઈ બારોટે ભરૂચ રૂરલ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા.૨૫ નવેમ્બર-૨૦૨૬ના રોજ વહેલી સવારે કડીના બલાસર ગામ સ્થિત 'ગુલાબ ઓઈલ પ્રા.લિ.' કંપનીમાંથી આઈસર ટેમ્પો નં.(GJ-02-AT-8872)માં તેલના ૭૨૮ ટીનના ડબ્બા અને ૭૭ કાર્ટૂન ભરીને ચાલક કૌશિકભાઈ કરમણભાઈ ઓડ (રહે.,કરણનગર, કડી) નવસારી, વેસ્મા અને ચીખલી ખાતે માલ ખાલી કરવા નીકળ્યા હતા. સવારે આશરે ૮:૧૫ વાગ્યે આઈસર ટેમ્પો ભરૂચ ટોલનાકું પસાર કરી નર્મદા બ્રિજ નજીક દહેગામ ગામની સીમમાંથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ચાલક કૌશિકભાઈએ પોતાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આગળ ચાલી રહેલા કન્ટેનર નં.(HR-69-C-8190) ની પાછળ ધડાકાભેર અથડાવી દીધું હતું. આ ટક્કર એટલી જોરદાર હતી કે આઈસર ટેમ્પોની કેબિન અને બોડીના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતને પગલે ટેમ્પોમાં ભરેલા તેલના ડબ્બા નીચે રોડ પર પટકાયા હતા અને કેટલાક ડબ્બા દબાઈ જતાં ૭૨ જેટલા ડબ્બામાંથી સંપૂર્ણ તેલ લીકેજ થઈ હાઈવે પર ઢોળાઈ ગયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. ભરૂચ રૂરલ પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ બી.એન.એસ. અને મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.