ભરૂચ શહેરના લીંબુ છાપરી વિસ્તારમાં મોપેડ અડતા અડતા રહી ગયાની રીશ રાખી બે શખ્સોએ યુવક પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ મામલે ભરૂચ શહેર ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના લીંબુ છાપરી વિસ્તારમાં રહેતા ૨૩ વર્ષીય જયેશ મહેશભાઈ વસાવા મજૂરીકામ કરી ગુજરાન ચલાવે છે. ગત ૨૫ નવેમ્બરના રોજ રાત્રે આશરે નવ વાગ્યે તેઓ મોપેડ લઈ સિફા ત્રણ રસ્તા નજીક દૂધ લેવા ગયા હતા. પરત ફરતી વખતે લીંબુ છાપરીના નાકા બહાર ભાથીજી મંદિર પાસે સામેથી રોંગ સાઈડમાં મોટરસાઇકલ આવતાં તેમણે મોપેડ સાઈડમાં લીધી હતી, જે દરમિયાન રોડ પર ઊભેલા આકાશ વસાવા અને સંતોષ વસાવાને ટક્કર વાગતાં રહી ગઈ હતી.
ત્યારબાદ રાત્રે આશરે દસ વાગ્યે ઘરે ભજનનો કાર્યક્રમ હોવાથી જયેશભાઈ ઘર બહાર ખુરશી પર બેઠા હતા ત્યારે બંને આરોપીઓ ત્યાં આવ્યા હતા. મોપેડ ચડાવવા બાબતે બોલાચાલી કરી ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો અને આકાશ વસાવાએ લાકડાનો ધોકો માથામાં મારી ઈજા પહોંચાડી હતી. માતા જશીબેન તથા સ્થાનિકોએ વચ્ચે પડી તેમને છોડાવ્યા હતા અને આરોપીઓએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઈજાગ્રસ્ત જયેશભાઈને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાતા માથામાં ચાર ટાંકા આવ્યા હતા. ૨૬ નવેમ્બરે નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.