ભરૂચના વાગરા-દહેજ માર્ગ પર આવેલા પીપલિયા ગામ નજીક ગુરુવારે વધુ એક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે ત્રણ વ્યક્તિ ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર વાગરાથી દહેજ તરફ જઈ રહેલા GJ-16-AV-0773 નંબરના કન્ટેનરના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં વાહન બેકાબૂ બની પલટી મારી ગયું હતું. દરમિયાન રસ્તા પરથી પસાર થઈ રહેલી બે બાઈકને પણ કન્ટેનરે અડફેટે લીધી હતી.
કન્ટેનર નીચે દબાઈ જવાથી એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હોવાની પ્રાથમિક માહિતી મળી છે, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી છે. અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને બચાવ કામગીરીમાં જોડાયા હતા. માહિતી મળતા જ વાગરા પોલીસનો કાફલો અને ૧૦૮ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પલટી ગયેલા કન્ટેનરને રસ્તા પરથી હટાવવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. વાગરા પોલીસે આ બાબતે આગળની વધુ તપાસ હાથ ધરી છે.